Press "Enter" to skip to content

સપનાં તણાય છે


[Photo @ Griffith Observatory, Los Angeles, CA]

પાંપણ ભીની કરો નહીં, સપનાં તણાય છે,
પડછાયા ઊંચકી પછી ઘરમાં લવાય છે.

સૂરજના પ્રેમમાં તમે શું શું ગુમાવિયું,
ઝાકળની જાતને કદી પૂછવા જવાય છે ?

આંખોને બોલવા વિશે સમજાવવું પડે,
હૈયાને હાથમાં લઈ થોડું અપાય છે ?

પાછાં જવાનું થાય તો ગમશે તને, નદી,
સાગરથી એટલુંય ક્યાં પૂછી શકાય છે !

સંવેદનાની દોરથી બાંધીને રાખજો,
સંબંધની કિતાબનાં પાનાં છપાય છે.

વંચાવવા ચહો છતાં વાંચી નહીં શકો,
ઈચ્છાઓ શ્વાસના ખૂણે એવી લપાય છે.

જીવનનો દાખલો હશે સીધો સરળ, કબૂલ,
‘ચાતક’થી એ હજીય ક્યાં પૂરો ગણાય છે !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments

  1. Rina
    Rina March 10, 2013

    વંચાવવા ચહો છતાં વાંચી નહીં શકો,
    ઈચ્છાઓ શ્વાસના ખૂણે એવી લપાય છે.

    જીવનનો દાખલો હશે સીધો સરળ, કબૂલ,
    ‘ચાતક’થી એ હજીય ક્યાં પૂરો ગણાય છે !

    વાહહ……

  2. Kishore Modi
    Kishore Modi March 10, 2013

    સૂરજના પ્રેમમાં તમે શું શું ગુમાવિયું,
    ઝાકળની જાતને કદી પૂછવા જવાય છે ?

    જીવનનો દાખલો હશે સીધો સરળ,કબૂલ,
    ‘ચાતક’થી એ હજીય ક્યાં પૂરો ગણાય છે ?

    નખશિખ સુંદર ગઝલ

  3. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' March 10, 2013

    સર્વાંગ સુંદર ગઝલ, દરેક શે’ર ઉલ્લેખાય એવાં થયાં છે.

    એક નૂકતેચિની..!!

    ‘વંચાવવા ચહો છતાં વાંચી નહીં શકો,’ માં આશય વંચાવવાનો હોવાથી વંચાવી નહીં શકો ના હોવું જોઇએ..!?
    આ રીતે કરી શકાય “વંચાવવા ચહો પણ વંચાવી નહીં શકો,” એક સૂચન હોં..!

  4. Daxesh Contractor
    Daxesh Contractor March 10, 2013

    @ અશોકભાઈ,
    પ્રતિભાવ બદલ આભાર.
    વંચાવવા ચહો છતાં વાંચી નહીં શકો –
    – આ મિસરામાં બે વાત એક સાથે રજૂ થઈ છે. એક, કે તમે કોઈને વંચાવવા ચહો તો એને વંચાવી શકતા નથી અને બીજું, કોઈ તમને વંચાવવા ચહે તો તમે વાંચી નથી શકતા .. કારણ કે ઈચ્છાઓ શ્વાસના ખૂણે એવી લપાય છે. મને લાગે છે કે બધા મિત્રોએ એ રીતે જ એનું અર્થઘટન કર્યું અને એમને પસંદ આવ્યું છે.
    તે છતાં તમે કહો એમ એક વાક્ય ગણીએ તો અર્થભેદ જરૂર છે. એને સુધારવા માટે કેવળ – વંચાવવા ચહો છતાં વાંચી નહીં શકે – એમ પણ કરાય. એવું લખતી વખતે વિચારેલું પણ મેં ઉપર લખ્યું એમ મને વિશેષ યોગ્ય લાગેલું અને મેં એમ રાખ્યું. બીજા કવિમિત્રો આ બાબતે પ્રકાશ પાડે તો ગમશે.

  5. Narendra Jagtap
    Narendra Jagtap March 10, 2013

    સંવેદનાની દોરથી બાંધીને રાખજો,
    સંબંધની કિતાબનાં પાનાં છપાય છે….

    વાહ વાહ ….સરસ ગઝલ…..

  6. Pragnaju
    Pragnaju March 10, 2013

    સરસ ગઝલ
    સંવેદનાની દોરથી બાંધીને રાખજો,
    સંબંધની કિતાબનાં પાનાં છપાય છે.
    વાહ્

  7. Pravin Shah
    Pravin Shah March 10, 2013

    વાહ સુંદર પોઝ આપ્યો.
    આંખોને બોલવા વિશે સમજાવવું પડે,
    હૈયાને હાથમાં લઈ થોડું અપાય છે ?

    દિલ આપવાની રીત સરસ બતાવી.
    આંખો શોધી લાવે તો એને કામ તો આપવું જ પડે ને !

    મોટે ભાગે તો આમ જ બને છે–

    આપવાની વાત આવી દિલ તને,
    એ પળે આ હાથ ખિસ્સામાઁ રહ્યો….પ્રવિણ શાહ

  8. Daxesh Contractor
    Daxesh Contractor March 10, 2013

    @ પ્રવીણભાઈ,
    પ્રતિભાવ બદલ આભાર ..
    આપવાની વાત આવી દિલ તને,
    એ પળે આ હાથ ખિસ્સામાઁ રહ્યો.
    – પ્રવિણ શાહ
    વાહ .. સરસ શેર.

  9. Pravin Shah
    Pravin Shah March 11, 2013

    વાંચવું-વંચાવવું અશક્ય થાય છે-
    આ મતલબનો મિસરા લખી શકાય.

  10. Daxesh
    Daxesh March 11, 2013

    પ્રવીણભાઈ,
    સૂચન બદલ આભાર પરંતુ ગઝલનો છંદ – ગાગાલગા લગા લગા ગાગાલગા લગા – છે. એથી – વાંચવું-વંચાવવું અશક્ય થાય છે – છંદમાં નહીં બેસે.

  11. Anil Chavda
    Anil Chavda March 11, 2013

    પાંપણ ભીની કરો નહીં, સપનાં તણાય છે,
    પડછાયા ઊંચકી પછી ઘરમાં લવાય છે.
    Sundar Gazal Thai CHhe Daxeshbhai

  12. Pancham Shukla
    Pancham Shukla March 23, 2013

    નાજુક શેરથી શોભતી સરસ ગઝલ.

  13. Sudhir Patel
    Sudhir Patel March 24, 2013

    વાહ! સુંદર મત્લા થી મક્તા સુધીની સફર કરાવતી મસ્ત ગઝલ!!
    સુધીર પટેલ.

  14. Karasan Bhakta
    Karasan Bhakta March 25, 2013

    સાચે જ સરસ રચના !!!
    હૈયાની આપલે કયાં હાથોહાથ કરાય છે?

Leave a Reply to Rina Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.