લાગ શોધે છે

January 10th, 2012

ચાંદનીમાં ચાંદ કેરા દાગ શોધે છે !
રાખમાં એ આગના સુરાગ શોધે છે !

મદભરી મોસમ મળેલી માણવા માટે,
કોયલોની કૂક-માં એ રાગ શોધે છે !

જર-જમી-ઝેવર સુધી તો ઠીક છે, કિન્તુ
એ તો ‘મા’ની ગોદમાંયે ભાગ શોધે છે !

માતપિતાને રડાવી જિંદગી આખી,
શ્રાધ્ધના દિને પછીથી કાગ શોધે છે !

બે ઘડી નિરાંતની માણી નથી શકતો
જંગલોમાં, એ જઈને સાગ શોધે છે !

કોણ કરશે તૃપ્ત એની ઝંખના ‘ચાતક’,
કોયલામાં જે હીરાની ઝાગ શોધે છે !

રાહ જોવાનું મુકદ્દરમાં લખ્યું ‘ચાતક’,
કેમ રણથી ભાગવાના લાગ શોધે છે !

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

ખાનગી ગણતા નથી

January 5th, 2012
06.JPG

સુખ ભલે અવસર, પરંતુ ખાનગી ગણતા નથી !
આવનારાં દુઃખ જીવનમાં કાયમી ગણતા નથી !

સુખ ને દુઃખ – બંનેય કિસ્સામાં વહે છે આંખથી,
આમ વહેતું જળ મળે તો લાગણી ગણતા નથી !

એક દૃષ્ટિથી જ ઘાયલ એમણે કીધું હૃદય,
કોઈ આંખોથી હણે તો પારધી ગણતા નથી !

નીંદ ને સુખચેન જાયે, ના મળે જેની દવા,
પ્રેમમાં કોઈ પડે તો માંદગી ગણતા નથી !

ચાંદ-તારા તોડવાની વાત એ કરતા રહે,
પ્રિયતમની કોઈ વાતો માંગણી ગણતા નથી !

કેટલું ચીતરી ગયા મારી હથેળીમાં ભલા,
ના મળે જેમાં હિસાબો, ડાયરી ગણતા નથી !

એમના હોઠે અમારા હોઠને સ્પર્શી કહ્યું,
સાંભળે ના લોક જેને, શાયરી ગણતા નથી !

એટલે ‘ચાતક’ ખુમારી આજ પણ અકબંધ છે,
જિંદગીના કોઈ દા’ડા આખરી ગણતા નથી !

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

ટપાલમાં

December 30th, 2011

લાચાર વૃક્ષની વ્યથા મૂંગી ટપાલમાં,
ટહુકાઓ નીકળે ભલા ક્યાંથી ટપાલમાં.

વિસ્તરતું જાય છે સતત સંબંધ કેરું રણ,
મૃગજળ વિશે લખાય ક્યાં ભીની ટપાલમાં.

નારીની વેદના લઈ ડૂસ્કાં ગયા ઘણાં,
પડઘા હજી ઝીલાય ના બ્હેરી ટપાલમાં.

ફુલોએ વારતા લખી એના સુહાગની,
ઝાકળના બુંદ નીકળ્યા એથી ટપાલમાં.

કેવી દશા થઈ હશે એના વિયોગમાં,
સરનામું ચીતરી શકી ખાલી ટપાલમાં.

‘ચાતક’, હવે જીવનતણા નાટકનો અર્થ શું?
અણસાર આવતા નથી કોઈ ટપાલમાં.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

શંકર બની પીધા કરો

December 25th, 2011

ક્યાં સુધી દુઃખદર્દની વાતો તમે કીધા કરો,
ઝેર જીવનના બધા શંકર બની પીધા કરો.

માર્ગ જીવનના કદી સીધા-સરળ હોતા નથી,
પત્થરો પ્રારબ્ધના પુરુષાર્થથી સીધા કરો.

સ્વીકૃતિની ધારણા પર થાય પ્રસ્તાવો રજૂ,
જે હૃદયમાં હોય તે નિશ્ચિંત થઈ કીધા કરો.

યાચના કરતાં શરમથી ડૂબવું છોને ભલું,
આપવા બેસે ખુદા તો પ્રેમથી લીધા કરો.

મોત આવી એક દિન ખખડાવવાનું દ્વાર પર,
બારણાંઓ બંધ રાખી ક્યાં સુધી બીધા કરો.

જિંદગી ‘ચાતક’ હવાના ખેલ જેવું છે કશું,
શ્વાસનો ઉત્તર તમે પ્રશ્વાસથી દીધા કરો.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

બારણાં એથી અમસ્તા વાખીએ

December 20th, 2011
117.jpg

કેટલી ક્ષણને સદીમાં રાખીએ,
ચાલ ડહાપણને નદીમાં નાખીએ.

આજ જોષીનો દિવસ કેવો જશે,
હસ્તરેખામાં ફરીથી ઝાંખીએ.

સાંજ પડતાં સૂર્ય પણ થાકી જશે,
ચાલ દીપકમાં વિસામો રાખીએ.

ધૈર્યનો અંજામ કેવો, જાણવા,
બોર શબરીના જઈને ચાખીએ.

આગમનની શક્યતા ‘ચાતક’ હજી,
બારણાં એથી અમસ્તા વાખીએ.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’