Press "Enter" to skip to content

Month: February 2025

કામ બોલે છે

daxesh contractor chatak
*
૨૦૦૮ થી શરૂ થયેલ મીતિક્ષા.કોમ પર પ્રસિદ્ધ થનાર આ ૭૦૦ મી પોસ્ટ છે.
આપ સહુ વાચકમિત્રોના ઉમળકાભર્યા સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.
*
સૂરજમુખી સૂરજનું જેવી રીતે નામ બોલે છે,
તમે બોલો ન બોલો પણ તમારું કામ બોલે છે.

પ્રયત્નો ખંતપૂર્વકના હશે સાચી દિશામાં તો,
સમય આવ્યે તમારી સિદ્ધિઓ ઈનામ બોલે છે.

દશાનનની દશા જોઈ તમે ના એટલું સમજ્યા?
જીવનભર જે ભૂલ્યા, મરતી વખત એ રામ બોલે છે.

શહેરને તાવ આવે તો રડે જઈ કોના ખોળામાં?
કરી છપ્પનની છાતી એ વખત બસ ગામ બોલે છે.

અહીંથી સ્વર્ગમાં વન-વે જવાનું કેટલું ભાડું?
નથી વાહન ને પંડીત તોય ઊંચા દામ બોલે છે.

તું તારી ધર્મપત્નીને કદી ક્રેડીટ તો એની આપ,
પૂછું છું રાઝ ચ્હાના સ્વાદનો, આસામ બોલે છે.

મુસીબત આવતાં થઈ જાય છે લોકો રફુચક્કર,
બચાવવા કોઈને મારેલ કૂદકો હામ બોલે છે.

પીવાની એ ખૂબી છે કે ભલેને મૌન રાખો પણ
તમારા હાલ ને હાલાત તૂટ્યાં જામ બોલે છે.

બિનાકા ગીતમાલાના ગીતો અટકી ગયા તો શું,
હજીયે કાનમાં મજરુહ-રફી-ખય્યામ* બોલે છે.

ફકત મીઠું મધુરું બોલજો ‘ચાતક’, નહીંતર લોક
કહેશે મંચ પર આવી કવિ બેફામ બોલે છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
મજરુહ સુલતાનપુરી – એવોર્ડ વિજેતા ગીતકાર
મોહમ્મદ રફી – સુપ્રસિદ્ધ પાર્શ્વગાયક
મોહમ્મદ જહૂર ખય્યામ – મશહૂર સંગીતકાર
*
[Above: Painting by Donald Zolan]

2 Comments