Press "Enter" to skip to content

Month: February 2009

તમે થોડા થોડા થાવ વરણાગી


ભાભી અને નણંદ વચ્ચે એક વિશિષ્ટ સંબંધ હોય છે. પરણીને સાસરે આવનાર યુવતીના મનની વાતો સમજનાર સાસરામાં કોઈ હોય તો તે સમવયસ્ક નણંદ હોય છે. એમાંય જો તે સ્ત્રીસહજ ઈર્ષ્યા અને ખટપટથી મુક્ત હોય તો એ સંબંધમાં ચાર ચાંદ લાગી જાય. ગામથી પરણીને શહેરમાં આવેલ એવી ભાભીને આધુનિક કરવાનું કામ તે કેટલી સરસ રીતે કરે તે આ ગીત ચીતરે છે. દરેક યુવતીએ સાસરાના શરૂઆતના દિવસોમાં ક્યારેક ને ક્યારેક આવો અનુભવ કર્યો હશે. માણો અવિનાશભાઈની આ સુંદર રચના નિશા ઉપાધ્યાયના સ્વરમાં.
*

*
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી

કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાણી લલનાઓ જાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

– અવિનાશ વ્યાસ

3 Comments

ઉમર ખૈયામની રુબાઈઓ – 5


આજે ઉમર ખૈયામની થોડી વધુ રુબાઈઓ માણીએ. જીવનની વિનાશશીલતા વિશે ઘણું લખાઈ ચૂક્યું છે. મોત આવવાનું જ હોય તો પછી એની બીક કેવી ? જે ઉદારતાથી ઈશ્વરે આપણને જિંદગી આપી એવી જ ખુમારીથી આપણે એને એ પાછી ન આપીએ ! કેટલી સરસ વાત ! વળી આપણે નાશવંત શરીર નથી પણ અમર આત્મા તત્વ છીએ, એ કેટલી સુંદર રીતે બુલંદીએ ઉડનાર બાજના રૂપકથી કહેવાયું છે. સંસારના વ્યવહારો વચ્ચે એ જાગૃતિ કાયમ રહે તો પછી શું કહેવું ! ઉમર ખૈયામની આગળ પ્રસિદ્ધ કરેલ રુબાઈઓ માટે અનુક્રમણિકા જોવાનું ભૂલતા નહીં.

બેસબબ દુનિયાના ગમમાં રાત દિન બળવું પડે !
આસ્માંની બેડીએ જકડાઇ ટળવળવું પડે !
મૂર્ખ ! કાયમની સવડ પણ તે ભલા એ જગમહીં ?
જ્યાં હજી આવ્યા ન આવ્યા ત્યાં જ નિકળવું પડે !
*
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દી માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
*
દેહ છે ખૈયામ તંબુ, છે ફના જેનો મુકામ,
પ્રાણ છે સમ્રાટ, જેનું લક્ષ્ય છે અમરત્વ ધામ;
કૂચનું ફરમાન છૂટે એટલી બસ વાર છે,
યમ-ફરાશો પળમહીં સંકેલશે લીલા તમામ.
*
જોત જોતામાં ઊડી ચાલ્યો બધો જોબનનો રંગ,
મનના મનમાં રહી ગયા અફસોસ ! વાસંતી ઉમંગ;
ક્યારે આવીને ગયું કૈં એ જ સમજાયું નહીં,
જિંદગીની કુંજમાં કલ્લોલતું યૌવન-વિહંગ.
*
નિત બુલંદીએ જ ઉડનારો અલૌકિક બાજ હું,
ઉતર્યો નીચે જરા સંસાર દર્શન કાજ હું;
પણ મળ્યો ના જાણભેદુ કોઇ મુજને એટલે,
જ્યાંથી આવ્યો ત્યાં જ પાછો જઇ રહ્યો છું આજ હું.

– ઉમર ખૈયામ (ભાવાનુવાદ: શૂન્ય પાલનપુરી)

1 Comment

સાંવરિયા રમવાને ચાલ !


આજકાલ વસંત ઋતુ ચાલી રહી છે. ઋતુઓના પરિવર્તનની અસર મહાનગરોમાં દેખાતી કે અનુભવાતી નથી. નવી પેઢીના લોકો માટે કદાચ કેસૂડાંના ફૂલ જોવાનું પણ નસીબમાં નથી. આવા સમયે આ રચના આપણને એક નવિન દુનિયામાં લઈ જાય છે. એમ કહેવાય કે વસંત એટલે કામદેવતાની પ્રિય ઋતુ. સૃષ્ટિ આખી આ સમે નવપલ્લવિત થાય, એના પ્રભાવથી કુદરત ન બચે તો માનવીની વાત જ શી કરવી. એટલે જ અહીં પ્રેમિકા એના સાંવરિયાને રંગ અને સુગંધના સરવરમાં ઝુમવા બોલાવી રહી છે. ફરીફરી સાંભળવાનું મન થાય એવું સુંદર ગીત માણો આરતી મુન્શી અને અનાર કઠિયારાના સ્વરમાં.
*
આલ્બમઃ હસ્તાક્ષર; સંગીતઃ ક્ષેમુ દિવેટીયા

*
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતાં આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝાં તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયાં અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપનાં !!
થઈને ગુલાલ આજ રંગે ધરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

– સુરેશ દલાલ

2 Comments

વિસરવા પણ નથી દેતાં


અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એ જ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

– બરકત વીરાણી ‘બેફામ’

Leave a Comment

પ્રભુ તારું ગીત મારે ગાવું છે


આજે એક સુંદર પ્રાર્થનાગીત સાંભળીએ. પ્રાર્થનાના શબ્દો સરળ અને હૈયાને સ્પર્શી જાય એવા છે.
*

*

*
પ્રભુ તારું ગીત મારે ગાવું છે
પ્રેમનું અમૃત પાવું છે …પ્રભુ તારું ગીત

આવે જીવનમાં તડકા-છાંયા
માંગુ હે પ્રભુ, તારી માયા
ભક્તિના રસમાં ન્હાવું છે … પ્રભુ તારું ગીત

ભવસાગરમાં નૈયા ઝૂકાવી
ત્યાં તો અચાનક આંધી ચડી આવી
સામે કિનારે મારે જાવું છે … પ્રભુ તારું ગીત

તું વીતરાગી, હું અનુરાગી
તારા ભજનની રટ મને લાગી
પ્રભુ તારા જેવું મારે થાવું છે … પ્રભુ તારું ગીત

[ ફરમાઈશ કરનાર – હર્ષા જુઠાની ]

7 Comments

તો ચાલ તું

દૃશ્ય જેવાં દૃશ્યને ફોડી શકે તો ચાલ તું!
દૂર સન્નાટા સુધી દોડી શકે તો ચાલ તું!

કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે તો ચાલ તું!

વસ્ત્ર પાદર પર ઉતારી નાખવા તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે તો ચાલ તું!

મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે તો ચાલ તું!

અંત ‘વંચિત’ અંત સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે તો ચાલ તું!

– વંચિત કુકમાવાલા

2 Comments