દૃશ્ય જેવાં દૃશ્યને ફોડી શકે તો ચાલ તું!
દૂર સન્નાટા સુધી દોડી શકે તો ચાલ તું!
કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે તો ચાલ તું!
વસ્ત્ર પાદર પર ઉતારી નાખવા તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે તો ચાલ તું!
મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે તો ચાલ તું!
અંત ‘વંચિત’ અંત સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે તો ચાલ તું!
– વંચિત કુકમાવાલા
સરસ ગઝલ
મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે તો ચાલ તું!
અંત ‘વંચિત’ અંત સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે તો ચાલ તું!
વાહ
આજના યુગનો માનવી ભલે એ ધનિક હોય કે ગરીબ પણ પ્રકારાન્તરે ‘દૂસરે’ એટલે કે બીજાના અભિપ્રાયોથી ચાલનારો બની ગયો છે ! માણસની સ્વતંત્ર વિચારશક્તિ, કોઠાસૂઝ, સ્વાવલંબન અને મુશ્કેલીઓ સામે ઝઝૂમવાની તેની શક્તિમાં ઓટ આવી રહી છે, જે આજે નહીં તો કાલે પણ માનવીને ભારે પડવાની છે.સુવિધાઓ માણસના આત્મબળ, ખુમારી અને જવાંમર્દીને હણી લે તો તે આશીર્વાદ નહીં પણ આફતરૂપ છે. અગવડો માણસના તન-મનને ખડતલ બનાવે છે. સગવડો માણસને પાંગળો બનાવે છે આજનો માણસ એટલે અતિ સુવિધા નામના ડાકૂ દ્વારા લૂંટાએલો માણસ.
આપણને અવરોધતા ઊંચા પહાડો, ધસમસતી નદીઓના પ્રચંડ જળપ્રવાહો અને ઉબડ-ખાબડ રસ્તાઓ એ કુદરતે આપણા જીવનઘડતર માટે યોજેલી પરીક્ષાઓ છે.
વસ્ત્ર પાદર પર ઉતારી નાખવા તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે તો ચાલ તું!
વાહ! ખૂબ કહી. સાચા ત્યાગની વાત તો કોઈ વિરલા જ જાણી શકે. સુંદર કવન!