માંગણી ક્યાં છે

મિલનની હસ્તરેખાઓ ભલેને પાંગરી ક્યાં છે,
તમારા આગમનની શક્યતાઓ વાંઝણી ક્યાં છે.

તરસના છોડ વાવીને અમે જંગલ ઉછેર્યાં છે,
પ્રણયમાં તૃપ્ત થાવાની અમારી માંગણી ક્યાં છે.

સમય પ્રત્યેક સાંજે આપતો છો પત્ર ઝાંખપના,
ત્વચા કોઈ મુલાયમ સ્પર્શ માટે આંધળી ક્યાં છે.

કિનારો થઈ તમે મળશો, એ આશામાં ને આશામાં,
અમે નૌકા કોઈના હોઠ ઉપર લાંગરી ક્યાં છે.

તથાગત થઈ ગયેલી લાગણીને કોણ સમજાવે,
તમારી યાદ ચીવર વસ્ત્ર અથવા કાંચળી ક્યાં છે.

અમારી આંખના શ્રાવણને આવી એટલું કહી દો,
બધા આંસુની કિસ્મતમાં તમારી આંગળી ક્યાં છે.

તમારે કાજ તો ‘ચાતક’ લખે છે કૈંક વરસોથી,
તમે એની ગઝલને આજ સુધી સાંભળી ક્યાં છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (16)
Reply

Waahhhh…. mast

Reply

સરસ રચના પરંતુ એક સુધારો અગર માનવામાં આવે તો,
બધા આંસુની કિસ્મતમાં તમારી આંગરી ક્યાં છે. ની જગ્યાએ લાગણી હોત તો વજન એ જ રેહત પણ ભાવાર્થ બરાબર થઈ જાત, કારણ કે આપણા આંસુ માટે કોઈની આંગરીની નહી લાગણીની જરૂર હોય છે.

અબ્દુલભાઈ,
તમારી વાત ખરી છે કે આંસુ માટે લાગણીની જરૂર પડે, આંગળીની નહીં. પરંતુ કવિ અહીં એવું કહેવા માંગે છે કે તમારા વિરહને લીધે અમારી આંખમાંથી નીકળતા આંસુને લૂછવા માટે તમે આવો. અને જો ન આવી શકો તો કમ-સે-કમ એટલું કહી જાવ કે મારાથી એવું થઈ શકે એમ નથી….મને લાગે છે કે આ સ્પષ્ટતા પછી આ પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ થશે.

પ્રિય દક્ષેશભાઈ

મજા પડી ગઈ
આખી ગઝલ સુંદર થઈ છે…
અભિનંદન…

Reply

બહુજ સરસ ગઝલ.

Reply

તરસના છોડ વાવીને અમે જંગલ ઉછેર્યાં છે,
પ્રણયમાં તૃપ્ત થાવાની અમારી માંગણી ક્યાં છે… ક્યા બાત…!!
ખુબ જ સુંદર ગઝલ..!

Reply

લગાગાગાના ચાર આવર્તનમાં વિરહની હૃદયસ્પર્શી અદ્ભુત રચના. મારા દિલી અભિનંદન.

Reply

લાગણીના કમાડ વાસી બેસી ગયા તમે…
હવે ઊઘાડો પાછા એવી માગણી ક્યાં છે??

Reply

તથાગત થઈ ગયેલી લાગણીને કોણ સમજાવે,
તમારી યાદ ચીવર વસ્ત્ર અથવા કાંચળી ક્યાં છે.

અમારી આંખના શ્રાવણને આવી એટલું કહી દો,
બધા આંસુની કિસ્મતમાં તમારી આંગળી ક્યાં છે.

તમારે કાજ તો ‘ચાતક’ લખે છે કૈંક વરસોથી,
તમે એની ગઝલને આજ સુધી સાંભળી ક્યાં છે.
વાહ દાદા….

Reply

Wahhhh… Superb

Reply

ખૂબ જ સરસ ગઝલ!

Reply

તથાગત થઈ ગયેલી લાગણીને કોણ સમજાવે,
તમારી યાદ ચીવર વસ્ત્ર અથવા કાંચળી ક્યાં છે?
વાહ! લાગણી, યાદ, ચીવર વસ્ત્ર, કાંચળી…. સર આખોં પર….!

વાહ…દક્ષેશભાઇ,
તરસના છોડ વાવીને અમે જંગલ ઉછેર્યાં છે – સુંદર અને સશક્ત વાત લાવ્યા.
અભિનંદન મિત્ર…

Reply

તરસના છોડ વાવીને અમે જંગલ ઉછેર્યાં છે,
પ્રણયમાં તૃપ્ત થાવાની અમારી માંગણી ક્યાં છે.
વાહ .. ઉત્તમ…

1 2

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.