મિલનની હસ્તરેખાઓ ભલેને પાંગરી ક્યાં છે,
તમારા આગમનની શક્યતાઓ વાંઝણી ક્યાં છે.
તરસના છોડ વાવીને અમે જંગલ ઉછેર્યાં છે,
પ્રણયમાં તૃપ્ત થાવાની અમારી માંગણી ક્યાં છે.
સમય પ્રત્યેક સાંજે આપતો છો પત્ર ઝાંખપના,
ત્વચા કોઈ મુલાયમ સ્પર્શ માટે આંધળી ક્યાં છે.
કિનારો થઈ તમે મળશો, એ આશામાં ને આશામાં,
અમે નૌકા કોઈના હોઠ ઉપર લાંગરી ક્યાં છે.
તથાગત થઈ ગયેલી લાગણીને કોણ સમજાવે,
તમારી યાદ ચીવર વસ્ત્ર અથવા કાંચળી ક્યાં છે.
અમારી આંખના શ્રાવણને આવી એટલું કહી દો,
બધા આંસુની કિસ્મતમાં તમારી આંગળી ક્યાં છે.
તમારે કાજ તો ‘ચાતક’ લખે છે કૈંક વરસોથી,
તમે એની ગઝલને આજ સુધી સાંભળી ક્યાં છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
16 Comments