દોસ્ત

ડાળ પર ટહુકા મધુરા તું સલામત રાખ, દોસ્ત,
વૃક્ષના સુહાગને ના બેસબબ ઉજાડ, દોસ્ત.

ફુલ પાસેથી ભલે ખુશ્બુ ઉછીની લઈ લીધી,
અત્તરો છાંટી ભ્રમરને ના વધુ ભરમાવ, દોસ્ત.

પિંજરામાં એ ખુશીથી જિંદગી જીવી જશે,
કોઈ દિ એને ગગનમાં ઉડતા બતલાવ દોસ્ત.

પૌત્ર જોઈ ભીંત પરના પૂર્વજે પ્રેમે કહ્યું,
તું જરા હળવેકથી નીચે મને ઉતાર, દોસ્ત.

હું ભલેને દ્વાર તારે ના કદી આવી શકું,
આવવા માટે મને ક્યારેક તો લલચાવ, દોસ્ત.

સાંજ પડતાં હુંય પડછાયાને મારા કહી દઈશ,
રાત કોઈ અન્ય કમરામાં જઈ વીતાવ, દોસ્ત.

લાગણી સાથે અબોલા ના વધુ રાખી શકું,
આજ દર્દીલી ગઝલ કોઈ મને સંભળાવ, દોસ્ત.

ક્યાં સુધી ‘ચાતક’ બની આ રણમહીં બેસી રહું,
ઝાંઝવા રૂપે ભલે, પણ આવવાનું રાખ, દોસ્ત.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (9)

સાંજ પડતાં હુંય પડછાયાને મારા કહી દઈશ,
રાત કોઈ અન્ય કમરામાં જઈ વીતાવ, દોસ્ત.
સરસ શેર..

Reply

સુંદર ગઝલ!
સુધીર પટેલ.

સાંજ પડતાં હુંય પડછાયાને મારા કહી દઈશ,
રાત કોઈ અન્ય કમરામાં જઈ વીતાવ, દોસ્ત.
સમગ્ર ગઝલનો હિરાના પાસા જેવો શેર, ખૂબ જ પારદર્શક ભાષા છે.

Reply

સુન્દર ભાવ, સુન્દર પ્રાસ = સુન્દર રચના
“પૌત્ર જોઇ ભીત પરના પૂર્વજે પ્રેમે કહ્યું,
તું ઉપરથી જરા હળવેથી મને નીચે ઉતાર, દોસ્ત”

ઝાંઝવા રૂપે ભલે, પણ આવવાનું રાખ, દોસ્ત.

સરસ !

Reply

સુંદર મત્લા અને મક્તા સાથેની સદ્યાંત સુંદર ગઝલ..

વાહ, કવિ આ મજેદાર રહ્યું…
સાંજ પડતાં હુંય પડછાયાને મારા કહી દઈશ,
રાત કોઈ અન્ય કમરામાં જઈ વીતાવ, દોસ્ત.

લાગણી સાથે અબોલા ના વધુ રાખી શકું,
આજ દર્દીલી ગઝલ કોઈ મને સંભળાવ, દોસ્ત.

Reply

સુંદર અભિવ્યક્તિવાળી ગઝલ

Reply

ગુજરાતી કલા, કહેવુ પડે.

લાગણી સાથે અબોલા ના વધુ રાખી શકું,
આજ દર્દીલી ગઝલ કોઈ મને સંભળાવ, દોસ્ત….. વાહ વાહ ફરી ‘દોસ્ત’ સરસ ગઝલ

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.