Press "Enter" to skip to content

બચપણ આપો

વરસો સુધી પીડા આપે, એવી કોઈ ક્ષણ આપો,
ઉપર છોને દરિયો ઘૂઘવે, ભીતર ખાલી રણ આપો.

એક, અરે બસ, એક બુંદ પણ વહેવા માટે પૂરતું છે,
કાળમીંઢ પથ્થરની છાતી ચીરવાનું કારણ આપો.

કૈંક સબંધો અટવાયા છે, મૃગજળના દરિયામાંહી,
મરજીવા થઈ મોતી કાઢે, એવું કોઈ જણ આપો.

એક શર્તની પાબંદીથી વરસોનો વનવાસ થશે,
એક વચન આપો કે મુજને ના કોઈયે ‘પણ’ આપો.

મારું-તારું મૂકી જગને ન્યાલ કરે હસતાં હસતાં,
વૃક્ષ કનેથી માણસને એ મોંઘેરી સમજણ આપો.

હર્ષ-શોકના દ્વંદ્વયુધ્ધ ના, ના ઈચ્છાના દાવાનળ,
શ્વાસ છતાં બાકી રાખીને શા માટે ઘડપણ આપો ?

ખૂબ સમજદારીની દુનિયા જોઈ લીધી ઈશ્વર તારી,
‘ચાતક’ની ઝોળીમાં પાછું એજ મધુર બચપણ આપો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

 1. ઋણસ્વીકાર –
  ફેસબુક પર મારા મિત્ર મુકેશ દવેની આ બે લીટીની અછાંદસ રચના વાંચી —
  વરસોથી પીડા દેતી એવી જ એક ક્ષણ હોય
  ઊપર ઘૂઘવે દરિયા, ભીતર અફાટ રણ હોય.
  અને વાંચતા જ ગઝલનો મત્લાનો શેર પ્રતિભાવ રૂપે લખાઈ ગયો .. અને જોતજોતામાં આખી ગઝલ પણ લખાઈ ગઈ. એથી આ ગઝલની પ્રસિદ્ધિ સમયે મુકેશભાઈનો હાર્દિક આભાર માનું છું.

 2. અશોક જાની 'આનંદ'
  અશોક જાની 'આનંદ' January 20, 2012

  પીડા અને પીડાનુ પ્રતિક રણ માંગવાનું કોઇ કારણ..?!!!
  ગઝલ સુંદર થઇ છે..

  ‘બુંદ’ ગુજરાતીમાં નાન્યતરજતિ ગણાય તેથી ‘ એક, અરે બસ, એક બૂંદ પણ વહેવા માટે પૂરતી છે,’ વાળી પંક્તિમાં ‘પુરતી’ ની જગ્યાએ ‘પૂરતું’ આવે તે સહેજ જાણ ખાતર …

 3. Daxesh
  Daxesh January 20, 2012

  અશોકભાઈ,
  પ્રતિભાવ માટે આભાર. તમે સૂચવ્યા મુજબ સુધારો કરી લીધો છે.
  બીજું, પીડાનો અર્થ અહીં વરસો સુધી યાદ રહી જાય એવી ક્ષણ – એમ લઈ શકાય .. અને .. દરિયાના ઘુઘવાટને બદલે રણનો ખાલીપો શાંતિ, શૂન્યતા કે વિચારવિહિન દશાની ઝાંખી આપે છે જે ધ્યાનની સર્વોત્તમ અવસ્થા ગણાય છે .. ટુંકમાં હાથે કરીને દુઃખી થવાનો ઈરાદો નથી… 🙂
  લતા મંગેશકરે ગાયેલ આ ગઝલ મને ખુબ પસંદ છે .
  दर्द से मेरा दामन भर दे या अल्लाह,
  फिर चाहे दिवाना करे दे, या अल्लाह

 4. Sunil Shah
  Sunil Shah January 20, 2012

  મત્લાથી મક્તા સુધી..કોપી–પેસ્ટ..!
  સરસ અભિવ્યક્તિ.

 5. Narendra Jagtap
  Narendra Jagtap January 20, 2012

  હર્ષ-શોકના દ્વંદ્વયુધ્ધ ના, ના ઈચ્છાના દાવાનળ,
  શ્વાસ છતાં બાકી રાખીને શા માટે ઘડપણ આપો ?

  ખૂબ સમજદારીની દુનિયા જોઈ લીધી ઈશ્વર તારી,
  ‘ચાતક’ની ઝોળીમાં પાછું એજ મધુર બચપણ આપો……..

  સરસ અર્થસભર ગઝલ…

 6. Sapana
  Sapana January 20, 2012

  વાહ દ્ક્ષેશ સરસ ગઝલ બની….

 7. Himanshu Patel
  Himanshu Patel January 20, 2012

  ઉપર છોને દરિયો ઘૂઘવે, ભીતર ખાલી રણ આપો…..ઉપર દરિયાનો ઘોંઘાટ,ગતિ-વિગતિ, સળવળાટ અને તળિયે રેતી,ભીનાશ અને છ્તાં કોરાશ આ સપાટીથી તળિયા સુધીના ઊંડાણનું સોસરવાપણું …એવી કોઈ ક્ષણ આપો, માગણી છે. રમતિયાળ ક્ષણોમાં વાચા છે આ “બચપણ આપો”.

 8. P Shah
  P Shah January 21, 2012

  ચાતક’ની ઝોળીમાં પાછું એજ મધુર બચપણ આપો……..

  સુંદર !

 9. Mukesh Dave
  Mukesh Dave January 21, 2012

  દક્ષેશભાઈ,આપની આ ગઝલના નિર્માણમાં મને પાયાની ઈંટરૂપ ગણવા બદલ આભાર.
  હકીકતે દરેક રચનાકારને પોતાનું આગવું કવન હોય – આગવી સૂઝ હોય – આગવી સંવેદના અને તેની રજૂઆત ક્ષમતા હોય છે. મને લાગે છે કે આ દરેકમાં આપ ખૂબ જ માહિર છો, તે આ રચનાએ સાબિત કરી આપ્યું. બહોત અચ્છે.

 10. Rekha Shukla (Chicago)
  Rekha Shukla (Chicago) January 22, 2012

  એક શર્તની પાબંદીથી વરસોનો વનવાસ થશે,
  એક વચન આપો કે મુજને ના કોઈયે ‘પણ’ આપો….
  ખુબ સરસ રચના દક્ષેશભાઈ….આપની દરેક રચનાઓ બેમિસાલ હોય છે…તમે લખ્યાં કરો ને શ્વાસ અમારા ચાલતા રહે..ખુબ કરો પ્રગતિ…ને આગળ વધો. જાન્યુઆરીમાં 13 કવિતા મુકી છે આ વેબસાઈટ શરૂ કરવાનો ફક્ત એક જ હેતુ છે કે મારા હ્રદય-અંતરના ઉંડાણની પૂકાર રૂપે જે શબ્દો પાન પર વહે તેને કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા અનેક વ્યક્તીઓને પ્રસાદી રૂપે વહેંચી શકું.તો, આશા છે કે તમો આ સાઈટ પર પધારશો…કંઈક વાંચશો અને તમારો પ્રતિભાવ આપશો. તમારૂ પહેલીવાર કે ફરીફરી પધારવું, એમાં જ મારે હૈયે આનંદ હશે…પધારશોને..??? Thank you for your support. Please visit my blog and add your most valuable comments.

 11. Sudhir Patel
  Sudhir Patel January 28, 2012

  ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.