Press "Enter" to skip to content

Month: January 2012

પૂછી શકતો નથી

હું હવે ખુદને મળી શકતો નથી,
કેમ, એવું પણ પૂછી શકતો નથી.

જાતથી રુસ્વા થયેલો આદમી,
કોઈ ટોળામાં ભળી શકતો નથી.

ચાહવાના કારણો મળશે ઘણાં,
ધારણા વિશે કહી શકતો નથી.

છે હૃદય એવી ઘણી સંવેદના,
શબ્દ જેને ચીતરી શકતો નથી.

આંખ આંસુઓનું કબ્રસ્તાન છે,
મોકળા મનથી રડી શકતો નથી.

પત્થરોના દેવને પૂજ્યા પછી,
માનવીને હું નમી શકતો નથી.

લોક કહે છે કે મજાનો આદમી,
પણ જમાનાને ગમી શકતો નથી.

નામ ‘ચાતક’ એટલે રાખી લીધું,
હું નિરાશાને ખમી શકતો નથી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

દોસ્ત

ડાળ પર ટહુકા મધુરા તું સલામત રાખ, દોસ્ત,
વૃક્ષના સુહાગને ના બેસબબ ઉજાડ, દોસ્ત.

ફુલ પાસેથી ભલે ખુશ્બુ ઉછીની લઈ લીધી,
અત્તરો છાંટી ભ્રમરને ના વધુ ભરમાવ, દોસ્ત.

પિંજરામાં એ ખુશીથી જિંદગી જીવી જશે,
કોઈ દિ એને ગગનમાં ઉડતા બતલાવ દોસ્ત.

પૌત્ર જોઈ ભીંત પરના પૂર્વજે પ્રેમે કહ્યું,
તું જરા હળવેકથી નીચે મને ઉતાર, દોસ્ત.

હું ભલેને દ્વાર તારે ના કદી આવી શકું,
આવવા માટે મને ક્યારેક તો લલચાવ, દોસ્ત.

સાંજ પડતાં હુંય પડછાયાને મારા કહી દઈશ,
રાત કોઈ અન્ય કમરામાં જઈ વીતાવ, દોસ્ત.

લાગણી સાથે અબોલા ના વધુ રાખી શકું,
આજ દર્દીલી ગઝલ કોઈ મને સંભળાવ, દોસ્ત.

ક્યાં સુધી ‘ચાતક’ બની આ રણમહીં બેસી રહું,
ઝાંઝવા રૂપે ભલે, પણ આવવાનું રાખ, દોસ્ત.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

બચપણ આપો

વરસો સુધી પીડા આપે, એવી કોઈ ક્ષણ આપો,
ઉપર છોને દરિયો ઘૂઘવે, ભીતર ખાલી રણ આપો.

એક, અરે બસ, એક બુંદ પણ વહેવા માટે પૂરતું છે,
કાળમીંઢ પથ્થરની છાતી ચીરવાનું કારણ આપો.

કૈંક સબંધો અટવાયા છે, મૃગજળના દરિયામાંહી,
મરજીવા થઈ મોતી કાઢે, એવું કોઈ જણ આપો.

એક શર્તની પાબંદીથી વરસોનો વનવાસ થશે,
એક વચન આપો કે મુજને ના કોઈયે ‘પણ’ આપો.

મારું-તારું મૂકી જગને ન્યાલ કરે હસતાં હસતાં,
વૃક્ષ કનેથી માણસને એ મોંઘેરી સમજણ આપો.

હર્ષ-શોકના દ્વંદ્વયુધ્ધ ના, ના ઈચ્છાના દાવાનળ,
શ્વાસ છતાં બાકી રાખીને શા માટે ઘડપણ આપો ?

ખૂબ સમજદારીની દુનિયા જોઈ લીધી ઈશ્વર તારી,
‘ચાતક’ની ઝોળીમાં પાછું એજ મધુર બચપણ આપો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

જીહજૂરી હોય છે

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે.

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

એક છત નીચે રહે બે માનવી,
જોજનોની તોય દૂરી હોય છે.

એ પથારીમાં પછી પડખાં ઘસે,
યાદને જેણે વલૂરી હોય છે.

રણ થવાનું એટલું સહેલું નથી,
લાગણી ઊંડે ઢબૂરી હોય છે.

શક્ય છે, શ્રધ્ધા કદીયે ડગમગે,
સાથ દેવાને સબૂરી હોય છે.

જે બને રોનક હજારો આંખની,
દોસ્ત, એનું નામ નૂરી હોય છે.

આ ગઝલ, ‘ચાતક’ લખાયે શી રીતે ?
લાગણીની જીહજૂરી હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

લાગ શોધે છે

ચાંદનીમાં ચાંદ કેરા દાગ શોધે છે !
રાખમાં એ આગના સુરાગ શોધે છે !

મદભરી મોસમ મળેલી માણવા માટે,
કોયલોની કૂક-માં એ રાગ શોધે છે !

જર-જમી-ઝેવર સુધી તો ઠીક છે, કિન્તુ
એ તો ‘મા’ની ગોદમાંયે ભાગ શોધે છે !

માતપિતાને રડાવી જિંદગી આખી,
શ્રાધ્ધના દિને પછીથી કાગ શોધે છે !

બે ઘડી નિરાંતની માણી નથી શકતો
જંગલોમાં, એ જઈને સાગ શોધે છે !

કોણ કરશે તૃપ્ત એની ઝંખના ‘ચાતક’,
કોયલામાં જે હીરાની ઝાગ શોધે છે !

રાહ જોવાનું મુકદ્દરમાં લખ્યું ‘ચાતક’,
કેમ રણથી ભાગવાના લાગ શોધે છે !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

ખાનગી ગણતા નથી

સુખ ભલે અવસર, પરંતુ ખાનગી ગણતા નથી !
આવનારાં દુઃખ જીવનમાં કાયમી ગણતા નથી !

સુખ ને દુઃખ – બંનેય કિસ્સામાં વહે છે આંખથી,
આમ વહેતું જળ મળે તો લાગણી ગણતા નથી !

એક દૃષ્ટિથી જ ઘાયલ એમણે કીધું હૃદય,
કોઈ આંખોથી હણે તો પારધી ગણતા નથી !

નીંદ ને સુખચેન જાયે, ના મળે જેની દવા,
પ્રેમમાં કોઈ પડે તો માંદગી ગણતા નથી !

ચાંદ-તારા તોડવાની વાત એ કરતા રહે,
પ્રિયતમની કોઈ વાતો માંગણી ગણતા નથી !

કેટલું ચીતરી ગયા મારી હથેળીમાં ભલા,
ના મળે જેમાં હિસાબો, ડાયરી ગણતા નથી !

એમના હોઠે અમારા હોઠને સ્પર્શી કહ્યું,
સાંભળે ના લોક જેને, શાયરી ગણતા નથી !

એટલે ‘ચાતક’ ખુમારી આજ પણ અકબંધ છે,
જિંદગીના કોઈ દા’ડા આખરી ગણતા નથી !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments