ઝાંખ ના લાગે કદી

(Painting: Amita Bhakta)

ઝંખનાને ઝાંખ ના લાગે કદી,
દોસ્તીને કાટ ના લાગે કદી.

પાંપણો પહેરો ભરે આઠે પ્રહર,
આંસુઓને ધાક ના લાગે કદી.

લાગણી અવસાન પામે રોજ અહીં,
એ બળે, પણ રાખ ના લાગે કદી.

લોક તો વાતો કરે, ચાલી ગયા,
એ ગયા છે ક્યાંક, ના લાગે કદી.

એક દિ એનું મિલન નક્કી થશે,
પણ સમયને પાંખ ના લાગે કદી.

આંખમાં ‘ચાતક’ પ્રતીક્ષા હોય તો,
સ્વપ્નમાં પણ આંખ ના લાગે કદી.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Responses to “ઝાંખ ના લાગે કદી”

  1. Ami Says:

    ખૂબ સરસ..

  2. Himanshu Patel Says:

    લાગણી અવસાન પામે રોજ અહીં,
    એ બળે, પણ રાખ ના લાગે કદી.
    આ વધુ ગમેલા શેર સાથે એટલું જ કહેવાનુ કે આ ફરી ફરી વાંચવા જેવી બેમત ગઝલ છે.

  3. Pancham Shukla Says:

    સરસ ગઝલ.

    આંખમાં ‘ચાતક’ પ્રતીક્ષા હોય તો,
    સ્વપ્નમાં પણ આંખ ના લાગે કદી.

  4. Praful Thar Says:

    પ્રિય દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
    આપની દરેક ગઝલની રચના ખૂબ જ સૂંદર હોય છે એટલે કોને પ્રાધાન્ય આપવું એ કહેવું જરા મુશ્કેલ છે. બાકી તો …એજ શુભેચ્છા કે….
    આપની ગઝલને ઝાંખ ના લાગે કદી,
    કલમને કાટ ના લાગે કદી.

  5. Manhar Mody Says:

    રોજની જેમ જ આજની ગઝલ પણ ગમી. બધા શેર સરસ થયા છે.

    પાંપણો પહેરો ભરે આઠે પ્રહર,
    આંસુઓને ધાક ના લાગે કદી.

    આ શેરમાં ‘ધાક’ ની જગ્યા એ ‘થાક’ હોવું જોઇયે એવું લાગે છે.

  6. Narendra Jagtap Says:

    મતલાનો અને મક્તાનો બન્ને શેર સરસ…….ફાઇન ગઝલ

  7. Kirtikant Purohit Says:

    પાંપણો પહેરો ભરે આઠે પ્રહર,
    આંસુઓને ધાક ના લાગે કદી.

    લાગણી અવસાન પામે રોજ અહીં,
    એ બળે, પણ રાખ ના લાગે કદી.

    વાહ ભાઇ વાહ્…. સુન્દર ક્લ્પનોની તાજગીભરી રજુઆત. સરસ ગઝલ.

  8. સુનીલ શાહ Says:

    સરસ ગઝલ..

  9. Daxesh Contractor Says:

    મનહરભાઈ,
    આંસુઓને ધાક ના લાગે કદી – એમાં એવો ભાવાર્થ અભિપ્રેત છે કે પાંપણોનો પહેરો હોવા છતાં આંસુઓ બેધડક આંખની બહાર આવી જ જાય છે. પહેરો અને ધાક એકબીજાને સંદર્ભ આપે છે. થાક એ દૃષ્ટિએ અનુચિત લાગે છે. આપના સૂચન બદલ આભાર.

  10. P Shah Says:

    આંખમાં ‘ચાતક’ પ્રતીક્ષા હોય તો…

    સુંદર ગઝલ !

  11. ડૉ.મહેશ રાવલ Says:

    વાહ દક્ષેશભાઇ….
    સરસ ગઝલ બની છે, મક્તામાં ‘ચાતક’ અને પ્રતીક્ષાનો અર્થસૂચક મેળ ગમ્યો…!
    અભિનંદન મિત્ર!

  12. અશોક જાની 'આનંદ' Says:

    લાગણી અવસાન પામે રોજ અહીં,
    એ બળે, પણ રાખ ના લાગે કદી.

    વાહ…!! સુંદર ગઝલ…

  13. Sudhir Patel Says:

    જોરદાર મક્તા સાથેની સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  14. Razia Mirza Says:

    ઝંખનાને ઝાંખ ના લાગે કદી,
    દોસ્તીને કાટ ના લાગે કદી.

    પાંપણો પહેરો ભરે આઠે પ્રહર,
    આંસુઓને ધાક ના લાગે કદી.
    ગજબ ની રજુઆત, ખૂબ જ ગમી.

Leave a Reply