જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.
ફુલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.
જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો.
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.
બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.
ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો.
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે ‘બેફામ’
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.
– બેફામ
બેફામની ખૂબ મઝાની ગઝલ માણી. યાદ આવી મરીઝની ..
ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.
ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.
very appropriate and very well said. thank you pragnaju for reminding. યાદ કરાવવા બદલ આભાર.
મોહ્તાજ ના કશાનો હતો કોન માનશે? મારો યે એક જમાનો હતો કોણ માનશે?
હસવાનો આજે મે અભીનય કર્યો હતો, આઘાત દુર્દશાનો હતો કોણ માનશે???
એક વાક્ય યાદ આવી ગયુ. ખબર નહીં કેમ પણ હવે આ માધ્યમથી મે ગુજરાતી લખવાનું ચાલુ કર્યું છે. કદાચ ભુલ્ચુક થાય તો માફ કરશો. અત્યાર સુઝી મને ગુજરાતીમાં લખવામાં કંટાળો આવતો હતો પણ આજે પ્રયત્ન કર્યો તો આ થોડું લખી શક્યો.
આ વેબ્સાઇટે મને મારી માતૃભાષાની લાગણી વધારી દીધી છે. હા, કેટલીક જોડણીની ભૂલો રહે પણ શરૂઆતમાં ચાલે. જો ગુજરાતીમાં કોઇ મદદ જોઇએ તો બેઝિઝક કહેજો.
આ ગઝલ વાંચીને એમ થાય છે કે માણસમાં કાંઈક કરવાની ઘણી શક્તિ રહેલી છે પણ તે બંધાયેલો રહે છે. જીવન એક આઝાદ પંખીની જેમ જીવવું જોઈએ.
આભાર્.
બેફામની આ ગઝલ ખુબજ સરસ છે. ગમી. આભાર.