[ ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ ખુબ સુંદર કૃતિ છે. એના એકેક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે. આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવની પ્રાર્થના, એનો ઈશ્વર સાથેનો સંવાદ છે. ]
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.
જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે.
સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘નાઝિર’ની,
રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે.
– નાઝિર દેખૈયા
9 Comments