Press "Enter" to skip to content

Month: February 2012

કૈંક જડવું જોઈએ

જાતને ખોયા પછીથી કૈંક જડવું જોઈએ,
શબ્દની સાથે રહો તો કૈંક અડવું જોઈએ.

દુશ્મનો સાથે લડીને એટલું સાબિત થયું,
જીતવા માટે અરીસા સાથ લડવું જોઈએ.

પ્રેમ એ કોઈ પ્રયત્નોથી થતી ઘટના નથી,
પ્રેમમાં બાળક બનીને સાવ પડવું જોઈએ.

દ્વારની સંવેદનાઓ સ્પર્શતે કેવી રીતે,
લાગણી દર્શાવવા એણે ખખડવું જોઈએ.

હોય શી પીડા પતનની દોસ્ત, એને જાણવા,
આદમીએ ટોચ પર ક્યારેક ચડવું જોઈએ.

સ્મિતની પ્રસ્તાવનામાં ઈશ્વરે એવું લખ્યું,
માનવીએ મન મૂકીને ક્યાંક રડવું જોઈએ.

જિંદગી ‘ચાતક’ પ્રતીક્ષાનું સુંવાળું નામ છે,
રોજ મુઠ્ઠી ક્ષણ લઈ થોડું ભરડવું જોઈએ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments

गिनाये भी नहीं जाते

हिन्दी में गज़ल लिखनी मैंने अभी-अभी शुरू की है।
इस ब्लोग पर हिन्दी में प्रस्तुत की गई यह मेरी प्रथम गज़ल है ।
यह आपको कैसी लगी ये जरूर बताईयेगा, आपके प्रतिभावों का मुझे इंतजार रहेगा ।

कई किस्से मुहोब्बत के सुनाये भी नहीं जाते
मिले जो घाव अपनों से, बताये भी नहीं जाते

उदासी थामकर दामन हमारे घर चली आयी,
कई महेमान एसे है भगाये भी नहीं जाते

हमें मालूम है की अश्क मोतीओं से बहेतर है
मगर आंसू को धागों में पिरोये भी नहीं जाते

गरीबी झेलना शायद जरा आसान हो जाता,
नमक के साथ आंसू को पकाये भी नहीं जाते

बिना पूछे चले आये वो मेरी नींद में अक्सर,
परीन्दो की तरह सपनें उडाये भी नहीं जाते

खुदा के नाम से डरता नहीं अब कोई आलम में
बुरे इन्सान को मंदिर बिठाये भी नहीं जाते

गिला-शिकवा जरूरी है मुहोब्बत की कहानी में,
मगर ‘चातक’ यहां किस्से गिनाये भी नहीं जाते

– दक्षेश कोन्ट्राकटर ‘चातक’

14 Comments

પ્રેમરોગીની મુસીબત

શ્વાસમાં માળો કરીને એક પંખી ગાય છે,
રક્ત, હૈયે ને રગેરગ એ સૂરો રેલાય છે.

આંખની ખામોશ ભાષા ભાવ દિલના ગણગણે,
લાગણીની વારતા ક્યાં કોઈને કહેવાય છે.

થોકબંધી સ્વપ્ન, સાચાં જે કદી ના થઈ શકે,
એ ખરલની જેમ મનમાંહી સતત ઘૂંટાય છે.

પ્રેમના જેવી કરામત ના મળે દુનિયામહીં,
જ્યાં અલગ હોવા છતાંયે સહજીવન જીવાય છે.

પ્રેમરોગીની મુસીબત કેટલી સંગીન છે !
દર્દ જ્યાં ‘ચાતક’ દવાની સાથમાં પીવાય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

3 Comments

તું ગઈ છે જ્યારથી …

ચાંદની રોનક ગઈ છે, તું ગઈ છે જ્યારથી,
કેટલી મૌસમ રડી છે, તું ગઈ છે જ્યારથી.

ભીંત, બારી, બારણાંની એક જેવી છે દશા,
શૂન્યતાઓ વિસ્તરી છે, તું ગઈ છે જ્યારથી.

એમ લાગે છે હૃદય ભૂલી ગયું ધબકારને,
શ્વાસ થઈ ખાતાવહી છે, તું ગઈ છે જ્યારથી.

લાગણી દરિયો બનીને આંખમાં ઘુઘવ્યા કરે,
પાંપણો ભીંજાયલી છે, તું ગઈ છે જ્યારથી.

ભીતરે બંદી બની છે કૈંક યાદો બેસબબ,
કોઈ ના કૂંચી જડી છે, તું ગઈ છે જ્યારથી.

રાતદિવસ જે કલમ પર શબ્દનો ડેરો હતો,
શાયરી ના અવતરી છે, તું ગઈ છે જ્યારથી.

આવ સોનેરી સમયને લઈ ફરીથી આંગણે,
હર ઘડી અળખામણી છે, તું ગઈ છે જ્યારથી.

આંખ ‘ચાતક’ થઈને બસ ચોંટી ગઈ છે દ્વાર પર,
શક્યતાઓ બ્હાવરી છે, તું ગઈ છે જ્યારથી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

થઈ જાય છે આઝાદ

સમયના હાથથી વીતેલ ક્ષણ થઈ જાય છે આઝાદ,
સૂરજ ચાહે ન ચાહે પણ કિરણ થઈ જાય છે આઝાદ.

પહોંચે માનવી મંઝિલ સુધી એનો અરથ એવો,
ગતિ કરવાની આદતથી ચરણ થઈ જાય છે આઝાદ.

વિચારો ઝાંઝવા થઈને ભગાવે છે સતત મનને,
કલમ મળતાં જ હાંફેલા હરણ થઈ જાય છે આઝાદ.

તમારું આવવું, ના આવવું, બંનેય સરખું છે,
તમારા આવવાથી બસ, સ્મરણ થઈ જાય છે આઝાદ.

જીવનનો અંત ‘ચાતક’ કોઈ ઉત્સવથી ઉતરતો ક્યાં,
મને મળવાની ખ્વાહિશથી મરણ થઈ જાય છે આઝાદ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments