જાતને ખોયા પછીથી કૈંક જડવું જોઈએ,
શબ્દની સાથે રહો તો કૈંક અડવું જોઈએ.
દુશ્મનો સાથે લડીને એટલું સાબિત થયું,
જીતવા માટે અરીસા સાથ લડવું જોઈએ.
પ્રેમ એ કોઈ પ્રયત્નોથી થતી ઘટના નથી,
પ્રેમમાં બાળક બનીને સાવ પડવું જોઈએ.
દ્વારની સંવેદનાઓ સ્પર્શતે કેવી રીતે,
લાગણી દર્શાવવા એણે ખખડવું જોઈએ.
હોય શી પીડા પતનની દોસ્ત, એને જાણવા,
આદમીએ ટોચ પર ક્યારેક ચડવું જોઈએ.
સ્મિતની પ્રસ્તાવનામાં ઈશ્વરે એવું લખ્યું,
માનવીએ મન મૂકીને ક્યાંક રડવું જોઈએ.
જિંદગી ‘ચાતક’ પ્રતીક્ષાનું સુંવાળું નામ છે,
રોજ મુઠ્ઠી ક્ષણ લઈ થોડું ભરડવું જોઈએ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ જ સુન્દર રચના!!!
દુશ્મનો સાથ લડીને એટલુ સાબીત થયુ
જીતવા માટે અરીસા સાથ લડવુ જોઇએ.
દુશ્મનો સાથ લડીને એટલુ સાબીત થયુ
જીતવા માટે અરીસા સાથ લડવુ જોઇએ
સ્મિતની પ્રસ્તાવનામાં ઈશ્વરે એવું લખ્યું,
માનવીએ મન મૂકીને ક્યાંક રડવું જોઈએ
વાહ! વાહ!
ભૂલમાં મેં “માનવીએ મન મૂકી ક્યારેક રડવું જોઈએ” એમ વાંચેલું – અને તે પણ સુંદર લાગેલું!
પ્રમથ ભાઈ,
આપના પ્રતિભાવ બદલ આભાર..
માનવીએ મન મૂકી ક્યારેક રડવું જોઈએ .. સરસ, તમારું સુચન ગમ્યું. ગઝલસંગ્રહ પ્રસિદ્ધ કરવાના સમયે આપના સુઝાવ પર અમલ થાય પણ ખરો. સુઝાવ બદલ ફરીથી આભાર.
સરસ ગઝલ છે.