ચાંદની રોનક ગઈ છે, તું ગઈ છે જ્યારથી,
કેટલી મૌસમ રડી છે, તું ગઈ છે જ્યારથી.
ભીંત, બારી, બારણાંની એક જેવી છે દશા,
શૂન્યતાઓ વિસ્તરી છે, તું ગઈ છે જ્યારથી.
એમ લાગે છે હૃદય ભૂલી ગયું ધબકારને,
શ્વાસ થઈ ખાતાવહી છે, તું ગઈ છે જ્યારથી.
લાગણી દરિયો બનીને આંખમાં ઘુઘવ્યા કરે,
પાંપણો ભીંજાયલી છે, તું ગઈ છે જ્યારથી.
ભીતરે બંદી બની છે કૈંક યાદો બેસબબ,
કોઈ ના કૂંચી જડી છે, તું ગઈ છે જ્યારથી.
રાતદિવસ જે કલમ પર શબ્દનો ડેરો હતો,
શાયરી ના અવતરી છે, તું ગઈ છે જ્યારથી.
આવ સોનેરી સમયને લઈ ફરીથી આંગણે,
હર ઘડી અળખામણી છે, તું ગઈ છે જ્યારથી.
આંખ ‘ચાતક’ થઈને બસ ચોંટી ગઈ છે દ્વાર પર,
શક્યતાઓ બ્હાવરી છે, તું ગઈ છે જ્યારથી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરસ ગઝલ.
આવ સોનેરી સમયને લઈ ફરીથી આંગણે, – વાહ
એમ લાગે છે હૃદય ભૂલી ગયું છે ધબકારને,
શ્વાસ થઈ છે ખાતાવહી તું ગઈ છે જ્યારથી
સરસ ગઝલ
વાહ બધાં શેર સરસ થયાં
એમ લાગે છે હૃદય ભૂલી ગયું ધબકારને,
શ્વાસ થઈ ખાતાવહી છે, તું ગઈ છે જ્યારથી. મકતા પણ ગમી ગયો..
પ્રેમની નકશી શબ્દમાં કોતરાઈને અવતરી છે.
આ ગમ્યું —
ભીંત, બારી, બારણાંની એક જેવી છે દશા,
શૂન્યતાઓ વિસ્તરી છે, તું ગઈ છે જ્યારથી
સુંદર ગઝલ , બધાં શે’ર સરસ થયાં છે. લાંબી રદિફ પણ અસરકારક છે.
આ વિશેષ ગમ્યું..
ભીંત, બારી, બારણાંની એક જેવી છે દશા,
શૂન્યતાઓ વિસ્તરી છે, તું ગઈ છે જ્યારથી.
વાહ વાહ ….ફરી મઝાની ગઝલ….એમાય છેલ્લા ચાર શેર તો લાજવાબ….
કેટલી મૌસમ રડી છે, તું ગઈ છે જ્યારથી…
કલમ પર શબ્દનો ડેરા આકર્ષક રહ્યા…
લાંબી રદીફમાં સુંદર ગઝલ !
અભિનંદન દક્ષેશભાઈ