Press "Enter" to skip to content

સામે સમય ઊભો


મીતિક્ષા.કોમ પર હમેશા સુંદર તસવીરો જોવા ટેવાયેલી તમારી આંખને આજે જરા આશ્ચર્ય જરૂર થશે પણ એના બિહામણા સ્વરૂપ પાછળ નવજીવનની કહાણી છૂપાયેલી છે. આજથી બરાબર એક વરસ પહેલાં એક ઘટના બની જે મીતિક્ષા.કોમના ઉદભવનું કારણ બની. કારમાં નિરાંતે આંખ મીંચેલી હતી અને એક પળમાં જ કાયમ માટે આંખ મીંચાઈ જાય એવા સંજોગો ઊભા થયા. કારમાં સવાર અમારા માસી ઘટનાસ્થળે જ વિદાય થઈ ગયા. હોસ્પિટલ, ઓપરેશન, પ્રાર્થના, દવા અને દુવાના લાંબા ક્રમ પછી અમે બાકીના ત્રણ હેમખેમ ઘરે આવ્યા. એક અકસ્માત જીવનના મર્મને, એની ક્ષણભંગુરતાને સમજાવી ગયો, મૃત્યુ પહેલાં મૃત્યુ સાથે મુલાકાત કરાવતો ગયો. જીવન વિભુનું વરદાન છે, એના દ્વારા કંઈક પામવાનું છે, કંઈક આપી જવાનું છે, નશ્વરતામાંથી અમરત્વ ભણી પ્રયાણ કરવાનું છે એવા કંઈ કેટલા ભાવો જગાવી ગયો. આજે એક વરસ પછી એ યાદ કરતાં વિવિધ દૃશ્યો અને સ્મૃતિઓ તાજી થાય છે.
[તસવીર અકસ્માતમાં હરિશરણ થયેલ કાર જેની આગલી સીટ પર હું હતી.]
આજે સમયના એવા જ વિવિધ રૂપોને વ્યક્ત કરતી દક્ષેશભાઈની એક કૃતિ આજે માણીએ. આશા રાખું કે એ આપને ગમશે.

થીજેલી આંખ સપનાંની લઈ, સામે સમય ઊભો
બીડેલી પાંખ ઘટનાની લઈ, સામે સમય ઊભો.

મનન મનમાં કરી, માની લીધેલી વારતા વાંચી,
અટ્ટહાસ્યને પડઘાવતો, સામે સમય ઊભો.

અધૂરા ઓરતાના અંતની શાયદ તલાશીમાં,
અચાનક ઉંબરે આવી અચળ, સામે સમય ઊભો.

સૂતેલી સ્તબ્ધતાના દ્વારની સાંકળ ઉઘાડીને,
અવાચક માંગણી જેવો સૂનો, સામે સમય ઊભો.

કદી ઝરણાં મહીં ખળખળ, કદી પગલાં મહીં થરથર,
જૂની જાહોજલાલીને સ્મરી, સામે સમય ઊભો.

ઝૂકાવી શીશ આ અણનમ, કલમ લીધી જરા પ્રીતમ
છૂપાવી કાળના પડઘમ સજળ સામે સમય ઊભો.

અરે ! અસ્તિત્વને ઓગાળવાના ઝળહળાં ટાણે,
લઈને હાથમાં ખંજર, જુઓ, સામે સમય ઊભો.

પ્રતિક્ષા આંખમાં આંજી કદી ચાતક ઊભેલો જ્યાં
થઈને આભથી અશ્રુ, જુઓ સામે સમય ઊભો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

  1. Dr.Hitesh Chauhan
    Dr.Hitesh Chauhan March 20, 2009

    જય શ્રીકૃષ્ણ અમીબેન અને દક્ષેશભાઈ,

    તો તો આપ ત્રણેયની આજે વર્ષગાંઠ જ કહેવાય ને કે ગત વર્ષે આપને નવો જન્મ મળ્યો.
    અને યોગાનુયોગ આજે મારી ભાણીની પણ બીજી વર્ષગાંઠ છે.
    સરસ રચના. આંખના ખૂણાં ભીના કરી ગઈ.
    આગળ પણ આવી રચના કરતા રહો તેવી અંતરની શુભેચ્છાઓ.

  2. Dilip
    Dilip March 20, 2009

    દક્ષેશ, ખુબ જ અસરકારક રચના છે…
    અરે ! અસ્તિત્વને ઓગાળવાના ઝળહળાં ટાણે,
    લઈને હાથમાં ખંજર, જુઓ, સામે સમય ઊભો.
    સાવ સાચી વાત છે…જીવન અને સમય આપણા કૃતજ્ઞી નથી…આપણને કૃતજ્ઞી બનાવે છે…
    તમે ખુબ જ પ્રેરણા અકસ્માતમાંથી લીધી..કારનો ફોટો જોઈ ને તરત આંખ ભીંજાઈ…
    ‘આપણું હોવુ અહી ક્યાં નાની સૂની વાત છે ?…’
    મધર્સ ડેના મેં પ્રથમવાર મારા સ્વરમાં હિન્દી રચના ગાવા પ્રયત્ન કર્યો છે આપને સાંભળવા હાર્દિક નિમંત્રણ…
    સંસારમેં સબસે જિયાદા માં તુમ હો મહાન..

  3. સુરેશ જાની
    સુરેશ જાની March 20, 2009

    બહુ જ તાકાતવાળા શબ્દો છે. સમય સાપેક્ષ હોય છે, તેની બહુ જ સરસ અભિવ્યક્તી.

  4. ગઝલ અને ગઝલ લખવા નિમિત્ત બનેલ સંજોગ, સમયની રવાની અને ભાગ્યનું ચક્ર ઘડીભરમાં શું કરી શકે એની પ્રતીતી કરાવી જાય છે.

  5. Pravin Shah
    Pravin Shah March 21, 2009

    Dear Daxeshbhai,
    બીડેલી પાંખ ઘટનાની લઈ, સામે સમય ઊભો….
    ખૂબ જ સુંદર રચના છે.
    રદીફમાં સમયને ઊભો રાખ્યો છે.
    જીવનમાં થોડી ક્ષણો માટે પણ જો સમય રોકાતો હોત
    આપણી ઈચ્છા પ્રમાણે તો જીવનની મઝા જ કઈં ઓર હોત !
    અભિનંદન ! લખતા રહેશો.

  6. અધૂરા ઓરતાના અંતની શાયદ તલાશીમાં,
    અચાનક ઉંબરે આવી

    સમય પાછો વળ્યો.. ખરુ ને ?

    મારુ, તમારુ અને આપણા સૌનુ હોવું એટલે જિંદગી, આપણા સૌના હોવાને (સસ્તિત્વને) યાદ રાખીએ. તમારુ સૌનુ સુખદ હોવું એટલે મીતીક્ષા.કોમ. ઇશ્વરનો આભાર.

  7. Pragnaju
    Pragnaju March 22, 2009

    ખૂબ સરસ
    અરે ! અસ્તિત્વને ઓગાળવાના ઝળહળાં ટાણે,
    લઈને હાથમાં ખંજર, જુઓ, સામે સમય ઊભો.

    પ્રતિક્ષા આંખમાં આંજી કદી ચાતક ઊભેલો જ્યાં
    થઈને આભથી અશ્રુ, જુઓ સામે સમય ઊભો
    અભિનંદન

  8. Manoj Shah
    Manoj Shah March 23, 2009

    સમયના સંકેતને સાનમાં સમજવો મુશ્કેલ કામ છે.
    ચાતક અશ્રુને પી જઇને કવિતાનું સર્જન કરે છે.
    અતિ સુન્દર.
    – મનોજ

  9. નિમિશા
    નિમિશા January 19, 2011

    અરે ! અસ્તિત્વને ઓગાળવાના ઝળહળાં ટાણે,
    લઈને હાથમાં ખંજર, જુઓ, સામે સમય ઊભો…..
    વાહ….!!!! ખુબ ખુબ સરસ શેર….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: