Press "Enter" to skip to content

Category: પ્રાર્થના

જીવન અંજલિ થાજો


ગુજરાતની લગભગ બધી શાળાઓમાં આ પ્રાર્થના ગવાતી આવી છે. એના શબ્દો અને એનો ભાવ એટલો સુંદર છે કે હૃદયને સ્પર્શી જાય. એ સાંભળીને શાળાના સોનેરી દિવસો યાદ આવી જાય છે. પ્રાર્થના ગાતી વખતે ભલે ખબર ન્હોતી કે એનો ભાવાર્થ શું છે પણ હાથ જોડીને શાંતિથી ઉભા રહેવાનું અને બને તો આંખ બંધ રાખવાની વાત બરાબર યાદ છે. છઠ્ઠા ધોરણમાં મોગરી હાઈસ્કૂલમાં નટુભાઈએ હારમોનિયમ સાથે આ પ્રાર્થના શીખવેલી તે હજી સાંભરે છે. માણો આ સુંદર પ્રાર્થનાગીતને.
[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]

*
જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

9 Comments

હે મા શારદા


આજે ગુરૂપુર્ણિમા છે. આપણા પૂજ્ય ગુરૂજનોનું પવિત્ર સ્મરણ કરવાનો દિવસ, જેમણે આપણને જ્ઞાન આપ્યું તેવા શિક્ષકો, અધ્યાપકોને પ્રેમથી યાદ કરવાનો દિવસ. તો આજના દિને આપણા સૌને જ્ઞાનનું દાન દેનાર મા શારદાને યાદ કરીને આ પ્રાર્થના પ્રસ્તુત કરું છું. પ્રાર્થનાના શબ્દો અને સંગીત એટલું મધુર છે કે વારંવાર સાંભળવાનું મન થાય.
*
[આલ્બમ : પ્રાર્થનાપોથી , પ્રકાશક – સૂરમંદિર]

*
હે મા શારદા ! હે મા શારદા !
તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,
તારા મયુરનો કંઠ થવા સૂર દે …. હે મા શારદા

તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમિ ર ટળે,
હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે,
શુભદા, શક્તિ દે, હે મા શારદા ! … હે મા શારદા

સૂર શબ્દનો પૂર્યો સાથિયો, રંગ ભરી દો મા એમાં,
રગ રગમાં મધુ રવ પ્રગટાવી, પ્રાણ પૂરી દો ગીત-લયમાં
જ્ઞાનદા, ભક્તિ દે, હે મા શારદા ! … હે મા શારદા

8 Comments

જન્મદિવસે …..

પહેલી જુલાઈ મારો જન્મદિવસ. આયુષ્યની ડાળખી પરથી એક પર્ણ ખરી પડ્યું. કદાચ આખું વૃક્ષ ધરાશયી થવાનું હતું પણ ઈશ્વરે બચાવીને તક આપી. એથી આજે અનેક શુભ ભાવનાઓ, ઋણસ્વીકાર અને કૃતજ્ઞતાના ભાવથી હૃદય ભરાઈ ગયું છે. શું લખું એમ વિચારતી હતી ત્યાં થયું કે પરમ સમીપે (કુંદનિકા કાપડીયા) માં લખેલી જન્મદિવસની પ્રાર્થના જ મૂકવા દે. એમાં ઘણા ઉત્તમ ભાવો રજૂ થયેલા છે. આશા છે આપને પણ એ ગમશે.

આમ તો દરેક દિવસ એ, ભગવાન!
તમે આપેલી તાજી ભેટ છે.
જાગ્રત માણસ માટે દરેક દિવસ નવી શરૂઆત બની શકે
પણ ભગવાન, આજે મારો જન્મદિવસ છે.
અને એટલે આજનો દીવસ
વિશેષ પ્રાર્થનાઓ, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.

આજના દીવસે, ભગવાન! હું
ધન, માન, કિર્તિ અને આરોગ્ય નથી માગતો
પણ આ બધું મને મળે
તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું
એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.

આજના દીવસે, ભગવાન! હું એમ નથી માગતો કે
મારો રસ્તો સરળ બને, મારાં કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને, તો એ સફળતા મને કૃતજ્ઞ બનાવે
અને એમ ન બને, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે
એ હું માગું છું.

દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચડું
દરેક પગલે હું થોડોક વધુ તમારી નિકટ આવું
રોજ રોજ, કોઈક સત્કર્મથી મારા હ્રદયમાં રહેલા તમને વ્યક્ત કરું
દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું
દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું
– એ હું માગું છું.

આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે
તે માટે હું તમારો આભાર માનું છું.
હું એવું હ્રદય માગું છું, જે આ દુનિયાને
તમારે માટે ચાહી શકે.
આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સર્જી છે
એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું
મૂગાં પ્રાણિઓ અને મધુર વનસ્પતિ – સૃષ્ટિને ચાહું
હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરું

એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે
એ મને યાદ આવે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મુલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી
આવતી કાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું
દરેક દિવસે મારો નવો જન્મ થાય છે તેમ માનું
અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઉજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું
આજે, મારા જન્મદિવસે, ભગવાન!
એ હું તમારી પાસે માગું છું.

કુંદનિકા કાપડીયા કૃત ‘પરમ સમીપે’ માંથી સાભાર

7 Comments

હે શારદે


મા સરસ્વતી સંગીત અને કલાની દેવી છે. તો મા શારદાને આ વેબસાઈટમાં સૂર પૂરવાની પ્રાર્થના કરું છું. સંગીત મનોરંજનનું સાધન માત્ર ન બનતાં જ્ઞાન અને સ્વાત્માનંદનું માધ્યમ બને એવી પ્રાર્થના કરું. અહીં સાંભળો મને અતિ પ્રિય પ્રાર્થના અનુપ ઝલોટાના સ્વરમાં.
*

*
હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

તુ સ્વર્ગ કી દેવી, યે સંગીત તુજ સે,
હર શબ્દ તેરા હે, હર ગીત તુજ સે,
હમ હે અકેલે, હમ હે અધૂરે..
તેરી શરણ હમ, હમેં તાર દે મા..
હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

તું શ્વેતવર્ણી, કમલ પે બિરાજેં,
હાથોં મેં વિણા, મુકુટ સર પે રાજે,
મનસે હમારેં મિટાદે અંધેરા,
હમકો ઉજાલોં કા સંસાર દે મા,
હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

મુનિઓને સમજી, ગુણીઓને જાની,
વેદોં કી ભાષા, પુરાનોં કી બાની,
હમ ભી તો સમજેં, હમ ભી તો જાનેં,
વિદ્યાકા હમકો અધિકાર દે મા,
હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨)

Leave a Comment

ૐ તત્સત્


[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]
*

*
ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્

રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું … ૐ તત્સત્

– વિનોબા ભાવે

6 Comments