Press "Enter" to skip to content

Category: અન્ય સર્જકો

શંકા ન કર

સૂર્યના ઢળવા વિષે શંકા ન કર
દીપ ઝળહળવા વિષે શંકા ન કર

આ કથાનો અંત બાકી છે હજી
આપણા મળવા વિષે શંકા ન કર

એક પથ્થર આપણે ફેંક્યા પછી
નીર ખળભળવા વિષે શંકા ન કર

છે તિખારો એક ઊંડે ક્યાંક પણ
હીમ ઓગળવા વિષે શંકા ન કર

એ અનાદિકાળથી ગુંજે ભીતર
નાદ સાંભળવા વિષે શંકા ન કર

-ઉર્વીશ વસાવડા

1 Comment

જીવનની શરૂઆત હતી


ભતૃહરિએ વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે ભોગોને ભોગવતાં ભોગવતાં અમે જ ભોગવાઈ ગયા. અર્થાત્ જીવનની પરિસમાપ્તિ થવા આવી પણ ભોગથી તૃપ્તિ ન થઈ. જીવનમાં માણસની સાથે પણ આવું જ કંઈ બને છે. નાનપણમાં ઢીંગલા-ઢીંગલી રમતા હોય છે. એ બાળપણની પહેલી પ્રીત હોય છે. ઢીંગલી છૂટી જાય પછી યુવાનીમાં પ્રેયસી સાથે પ્રીત મંડાય છે. એ પણ છેવટે નંદવાઈ જાય ત્યારે ઘડપણમાં મૃત્યુ સાથે જ પ્રીત કરવાની બાકી રહે છે. બીજી પ્રીત કરતાં મૃત્યુ સાથેની પ્રીત જુદી છે કારણ એ મિલન સનાતન છે. એમાં જુદાઈનો અવકાશ નથી. મૃત્યુ એ અનિવાર્ય સત્ય છે એનું ઉદઘાટન ખુબ સુંદર રીતે થયું છે. મનહર ઉધાસનો કંઠ રચનાને માધુર્ય આપે છે.
*
આલ્બમ: આવકાર

*
બાળપણમાંથી જવાની ને જવાનીથી જરા
જિંદગીના વસ્ત્રને બદલાવતો ચાલ્યો ગયો.
*
જીવનની શરૂઆત હતી તો ઢીંગલી સાથે પ્યાર કર્યો
હું એની સાથે રમતો’તો એ મારી સાથે રમતી’તી
હું કંઈ ના બોલી શકતો’તો એ પણ ક્યાં બોલી શકતી’તી
એ વચન વગરની પ્રીત હતી, એ ભાષા વિનાનો પ્યાર હતો
એ શબ્દ વિનાના ગીત હતા, એ બાળકનો સંસાર હતો

એ ઢીંગલી પણ છીનવાઈ ગઈ ….
બે શબ્દ જરા હું શીખ્યો ને એ દોલત પણ લૂંટાઈ ગઈ

પછી આપની સાથે પ્યાર કર્યો,
મેં પાયલ સાથે પ્રીત કરી, કાળી આંખો સાથે પ્યાર કર્યો,
મીઠા શબ્દો ઉપર મીટ ધરી, ગોરા ગાલો સાથે પ્યાર કર્યો,
એ પ્રકરણ સંકેલાઈ ગયું ….
એ જામ ન આવ્યા હોઠ સુધી ને એ ઝરણું સૂકાઈ ગયું.

હવે બાકી એક જ પ્રીત રહી અને તે છે મૃત્યુ સાથેની ..
એમાં નિષ્ફળતાને સ્થાન નથી,
એક વાર મિલન જો થઈ જાયે પછી વિરહને ત્યાં અવકાશ નથી.

– રચનાકાર (?)

[ફરમાઈશ કરનાર મિત્ર – અલ્કેશ પટેલ]

3 Comments

ખાલી થયેલું તળાવ


છાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે.
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને કોઇ બાનમાં પકડી ગયું કે શું !
જાસો મળ્યા પછીનો નગરમાં તનાવ છે.

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઇ,
સહુ ચિત્ર જોઇ બોલ્યાઃ ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો !
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં ?
સૂરજની હાજરીમાં બનેલો બનાવ છે.

થઇ ધાડપાડુ ત્રાટકે સાહિલ ભલે સમય
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.

– સાહિલ

Leave a Comment

આંબાની ડાળ ક્યાં છે ?


બાળપણના દિવસો સોનેરી દિવસો અમથા નથી કહેવાતા. જેમ સોનું કદી પોતાની ચળક નથી ગુમાવતું અને જૂનું થાય તોપણ એટલું જ આકર્ષક રહે છે તેમ જ બચપણના દિવસો માનસપટ પરથી નથી ભૂંસાતા. અહીં એવા જ દિવસો ને એવા જ મિત્રો સાથે ગાળેલી પળોની યાદો મનને તરબતર કરે છે એથી કવિ કહે છે કે એ બધા ક્યાં ગયા ? શૈશવના ઢાળ, મુક્ત મનના મુક્કા, એ ગાળાગાળી એ બધું ક્યાં ગયું ? આપણે સૌ પણ ક્યાંક એવી જ કોઈ તલાશમાં નથી શું ?

ક્યાં છે એ વારતા કે સરવરની પાળ ક્યાં છે ?
પોપટ પૂછે બિચારો, ‘આંબાની ડાળ ક્યાં છે ?’

સાથે જ ઊડવાનું કહેનાર દોસ્તદારો,
ઢૂંઢું ગગન તમારાં, રે ! એની ભાળ ક્યાં છે ?

લપસી પડાય એવું તો ખૂબ છે અહીં પણ
લપસી શકાય એવા શૈશવના ઢાળ ક્યાં છે ?

મિત્રોની વાતમાં ’લ્યાં આ મોણ ક્યાંથી આવ્યું ?
એ મુક્ત મનના મુક્કા, એ મિષ્ટ ગાળ ક્યાં છે ?

તારા નગરના રસ્તા મારી સમજમાં ના’ વે,
ખુલ્લું એ આભ ક્યાં છે ? ખેતર વિશાળ ક્યાં છે ?

આ વાવ છે અવાવરું ને બંધિયાર જળ છે
ઝરણાપણું પિછાણું એવા ઉછાળ ક્યાં છે ?

– વિષ્ણુ પટેલ

6 Comments

કૈંક જડવું જોઇએ

સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ !

બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ !

એ રહ્યો ઇશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ !

આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુ તે અડવું જોઇએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ !

પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
આળ જેવું કૈંક ચડવું જોઇએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન `અનિલ`,
એય તક છે, કૈંક જડવું જોઇએ !

– રતિલાલ ‘અનિલ’

2 Comments

ગણી બતાવ


ગણવું જ કાંઇ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીના પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે….
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિન્તુ કેટલા પડદા, ગણી બતાવ.

– હરીશ્ચંદ્ર જોશી

1 Comment