ટોચ પર

મૌન પણ ક્યારેક તો અકળાવવાનું ટોચ પર
ખીણનું સંગીત વ્હાલું લાગવાનું ટોચ પર.

ભીડથી ભાગી ભલેને આપ અહીં આવી ગયા,
જાતને ના છે સરળ સંતાડવાનું ટોચ પર.

શબ્દ, ઘટના, અર્થની અંતિમ ક્રિયા રસ્તે કરી,
ખાલીપાનું બારણું ખખડાવવાનું ટોચ પર.

લક્ષ્યને આંબી જવાના જોશમાં ચાલે ચરણ,
ધૈર્યની ઉંચાઈ આવી માપવાનું ટોચ પર.

ને લઘુતા પીડતી હો ભીંત, બારી, દૃશ્યની,
તો જરૂરી છે બધાએ આવવાનું ટોચ પર.

કોણ આવીને અહીં ‘ચાતક’ હમેંશા રહી શક્યા,
ખુબ દુષ્કર છે સતત જીવી જવાનું ટોચ પર.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (10)
Reply

શબ્દ, ઘટના, અર્થની અંતિમ ક્રિયા રસ્તે કરી,
ખાલીપાનું બારણું ખખડાવવાનું ટોચ પર…વાહ કવિ મોજ લાવી દીધી, આખી ‘ટોચ પરની’ વિભાવના જ રોમાંચક છે, એ રદીફ તરીકે વાપરી કમાલનું કામ કર્યું છે….
બીજા શે’રમાં ‘સંતાવવા’ કાફિયા ને બદલે ‘સંતાડવા’ કરો તો..?!! ‘સંતાવવા’ નહીં પણ સંતાવા શબ્દ સાંભળ્યો છે…જોઇ લેવાની જરૂર છે.

અશોકભાઈ,
આપને ગઝલ ગમી તેનો આનંદ. આપે સંતાવવા શબ્દ વિશે જે કહ્યું છે તે સાચું જ છે. લોકબોલીમાં સંતાવવું શબ્દ છે, પણ ડીક્શનરીમાં એ ના દેખાયો. એથી તમારું સુચન માન્ય રાખીને એમાં ફેર કરું છું. સૂચન બદલ આભાર.

Reply

ટોચ પર રદીફ લઈ સુંદર ગઝલ કહી તે બદલ અભિનંદન

લક્ષ્યને આંબી જવાના જોશમાં ચાલે ચરણ,
ધૈર્યની ઉંચાઈ આવી માપવાનું ટોચ પર.

ને લઘુતા પીડતી હો ભીંત, બારી, દૃશ્યની,
તો જરૂરી છે બધાએ આવવાનું ટોચ પર.
વાહ્

શબ્દ, ઘટના, અર્થની અંતિમ ક્રિયા રસ્તે કરી,
ખાલીપાનું બારણું ખખડાવવાનું ટોચ પર…..

ખુબ સુન્દર ગઝલ દક્ષેશભાઈ ને ટોચ પર દરેક કાફિયા…

Gazal bhavakne kavitarasni toch par lai jaay chhe.
radif saras chhe.
ene nibhavyo chhe pan etli j saras rite.

દક્ષેશભાઈ…
રદીફની જેમ આખી ગઝલ ભાવકને પોતપોતાની રીતે ટોચે લઈ જાય છે.
મજાની ગઝલ…

સુંદર મજાની ગઝલ ! અભિનંદન દક્ષેશભાઈ !
નવિન રદીફ નવિન વિભાવનાઓને સુપેરે ઉજાગર કરે છે.

આ ગઝલનું બહુ જ ઘેલું લાગવાનું ટોચ પર !
તો જરૂરી છે બધાએ આવવાનું ટોચ પર !

Reply

ખૂબ સુંદર ગઝલ!

આ બે શે’ર વધુ ગમ્યાં.

ભીડથી ભાગી ભલેને આપ અહીં આવી ગયા,
જાતને ના છે સરળ સંતાડવાનું ટોચ પર.

કોણ આવીને અહીં ‘ચાતક’ હમેંશા રહી શક્યા,
ખુબ દુષ્કર છે સતત જીવી જવાનું ટોચ પર.

Reply

સુંદર મજાની ગઝલ ! અભિનંદન દક્ષેશભાઈ !

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.