મૌન પણ ક્યારેક તો અકળાવવાનું ટોચ પર
ખીણનું સંગીત વ્હાલું લાગવાનું ટોચ પર.
ભીડથી ભાગી ભલેને આપ અહીં આવી ગયા,
જાતને ના છે સરળ સંતાડવાનું ટોચ પર.
શબ્દ, ઘટના, અર્થની અંતિમ ક્રિયા રસ્તે કરી,
ખાલીપાનું બારણું ખખડાવવાનું ટોચ પર.
લક્ષ્યને આંબી જવાના જોશમાં ચાલે ચરણ,
ધૈર્યની ઉંચાઈ આવી માપવાનું ટોચ પર.
ને લઘુતા પીડતી હો ભીંત, બારી, દૃશ્યની,
તો જરૂરી છે બધાએ આવવાનું ટોચ પર.
કોણ આવીને અહીં ‘ચાતક’ હમેંશા રહી શક્યા,
ખુબ દુષ્કર છે સતત જીવી જવાનું ટોચ પર.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
10 Comments