Press "Enter" to skip to content

ભજન હોય છે

શબ્દોમાં કેવું વજન હોય છે !
ધરતીની સાથે ગગન હોય છે.

ગાતાં હૃદયમાં ભરતી ઉઠે,
એનું જ નામ ભજન હોય છે.

દીપકની વારતા વાંચી તમે ?
ઘાતક ક્યારેક પવન હોય છે.

રોજરોજ મળવાને આવે સ્નેહે,
પીડા જ સાચી સ્વજન હોય છે.

જળની પરિભાષા બદલો હવે,
આંસુના રૂપે અગન હોય છે.

‘ચાતક’ નિરાશા પળ ના ટકે,
હૈયામાં જેના લગન હોય છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

  1. pragnaju
    pragnaju September 3, 2012

    શબ્દોમાં કેવું વજન હોય છે !
    ધરતીની સાથે ગગન હોય છે.
    વાહ…મનોજ યાદ આવ્યો
    આ મારો અંધકાર લીલોછમ બની જશે
    શબ્દોનું જ્યારે વાતાવરણ ઓગળી જશે
    હું દર્પણમાં શબ્દો ઉતારી શકું તો
    મને એ રીતે હું પ્રસારી શકું તો
    આ મારી શૂન્યતા મહીં શબ્દો ભરો નહીં
    ઠાલી હવાથી એમ ક્યાં પુરાઈ જાય ખીણ
    શબ્દો મારા પગભર ક્યાં છે
    ચાલો મૌન તણી આંગળિએ
    કોની મુદ્રા ઊપસી આવી
    મારા શબ્દોની લગડીમાં
    શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો
    એક ઝંઝાવાતને ખાળી લીધો
    “મને તું મૌન દઈને શબ્દ તારો લઈ જજે”
    પડી છે એક જાસાચિઠ્ઠી મારા ઉંબરે
    ભ્રમર જેમ એમાં પુરાઈ ગયો છું
    કહો શબ્દનું ઘર કમળ તો નથીને
    મૂકી દે આજ મારા શબ્દો પર
    ચોથું પગલું ચરણ ઉપાડીને
    ક્યાં સરળ શબ્દનો છે ખજાનો
    એ ફણીધર નીચેનો ચરુ છે
    હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ
    આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
    સદા શબ્દોના અગ્નિ-સ્તંભને મેં બાથ ભીડી છે
    સતત કાગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
    શબ્દના વનમાં ફૂલોના પથ મળે
    મ્હેકથી ખૂણેખૂણો લથબથ મળે
    મને શબ્દ ખેંચી ગયા ક્યાંથી ક્યાં
    એ સોના-હરણવાળી પળ છે કે શું
    લખાયા પહેલાં જ પોઢી ગયેલા
    ઘણા શબ્દની છે કબર આંગળીમાં
    ચમત્કારો નથી તો આ લખાતા શબ્દ બીજું શુણ ?
    સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

  2. Karasan Bhakta USA
    Karasan Bhakta USA September 3, 2012

    ખુબ જ પસ્ંદ લાગી આસુંદર રચના, પ્રત્યેક પંકિતમા સરસ કલ્પના-સરખામણી !!!
    “રોજ રોજ મળવા આવે સ્નેહે,
    પીડા જ સાચી સ્વજન હોય છે.
    જળની પરીભાષા બદલો હવે,
    આંસુના રૂપે અગન હોય છે.”

  3. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) September 3, 2012

    રોજરોજ મળવાને આવે સ્નેહે,
    પીડા જ સાચી સ્વજન હોય છે…..
    માર ડાલા..દક્ષેશભાઈ એ મારી સિકસર..ખુબ સુંદર રચના

  4. kishore Modi
    kishore Modi September 3, 2012

    નાની બહેરમાં સુંદર ગઝલ. મજા પડી. અભિનંદન

  5. Pravin Shah
    Pravin Shah September 6, 2012

    સુંદર ગઝલ ! બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
    મક્તાનો શેર સૌથી ચડિયાતો !
    મત્લામાં ઉલા-સાની મિસરાનો સંબંધ સમજાયો નહીં.

  6. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' September 7, 2012

    સરસ ગઝલ……..

  7. Darshan Joshi
    Darshan Joshi September 15, 2012

    ખુબ સુન્દર રચના દક્ષેશભઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.