મીઠી માથે ભાત
મિત્રો, આજે એક સુંદર રચના જે શાળામાં ભણવામાં આવતી હતી. ખેતી કરીને ગુજરાન ચલાવતા પટેલ દંપતીની વાત. એમને એક સુંદર પુત્રી – નામે મીઠી. રોજ બપોરે ભોજન માટે આવતા પિતાને કોઈ કારણોસર આવવામાં મોડું થયું તો પોતાની માતાની રજા લઈ એમને ખેતરે ભાત આપવા માટે નાનકડી મીઠી નીકળે છે. ખેતરે જતાં વચ્ચે સીમમાં શિયાળ, વાઘ અને વરુનો ભય રહેતો. મીઠીની કમનસીબી કે એને રાની પશુનો ભેટો થયો અને કાળનો ક્રૂર પંજો એના પર ફરી વળ્યો. સાંજે પટેલ ઘરે પાછા આવીને મીઠીને સાદ કરે છે ત્યારે પટલાણીને ધ્રાસ્કો પડે છે કે મીઠી ક્યાં ગઈ હશે ? પોતાની વહાલસોયી મીઠીને શોધવા નીકળેલ પટેલ દંપતીને ઝાંખરામાં એની ઓઢણીની નિશાની મળતાં થતી વ્યથાનું હૃદયદ્રાવક વર્ણન આપણને હચમચાવી જાય છે. કરુણરસ સભર આ કૃતિ આજે માણીએ.
(દોહરો)
ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.
નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.
પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.
શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.
કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.
ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.
સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.
પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.
(ભુજંગી)
કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ.’
હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.’’
ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?
મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.’
કહી એમ માથે લઈ ભાત ચાલી.
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.
(દોહરો)
વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.
ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.
હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.
ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,
મીઠી બાળા મોતના પંજામાસપડાઈ.
વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !
વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !
સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.
પહોચી ઘર પાંચો કરે ‘મીઠી ! મીઠી !’ સાદ :
‘મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.’
પટલાણી આવી કહે : ‘મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?’
મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !
બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
ઝાંખા સર્વે ઝા ડવાં, દારુણ જાણ એ દુ:ખ.
‘મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.
પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.
ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?
મીઠી કાં મેલી ગઈ ? – બોલે નહિ કંઈ રાન.
વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.
‘હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું – ઝમે રુધિર !’
ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !
નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
‘મીઠી ! મીઠી !’ નામથી રડતાં આખી વાટ.
વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,
તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત
- વિઠ્ઠલરાય આવસત્થી

June 27th, 2009 at 5:21 am
આપણને હચમચાવી જાય એવું હૃદયદ્રાવક વર્ણન. વર્ષો પછી આ કવિતા વાંચી.
June 28th, 2009 at 6:03 pm
હ્રદયને હચમચાવી જાય એવી હ્રદયસ્પર્શી કવિતા – મીઠી માથે ભાત નિશાળમાં પાંચ થી છ દાયકા પહેલા ભણ્યા હતા ત્યારે
પણ આટલી જ હ્રદય ને સ્પર્શી ગઈ હતી.
July 7th, 2009 at 10:02 pm
નાના હતા ત્યારે આ કવિતા વાંચી ખુબજ દુઃખ થતું અને ઘણા સમય સુધી મન ઉદાસ બની જતુ અને આથી વાંચવાની હિંમત નથી થતી.
July 9th, 2009 at 9:16 pm
One of the best poetries out of many I liked. Is it possible to listen it together reading?
November 29th, 2009 at 12:25 pm
what a poem. Always felt sad and still can feel pain of mother and father who lost their little ones.
Gujarati people are always grateful to you for making these songs available.
May 23rd, 2010 at 12:46 pm
અતિ સુંદર કવિતા. કોઇ સુરિલ કંઠે ગાઈને અપલોડ કરે તો મઝા આવી જાય.
- કિશોર ગોવાડા
December 2nd, 2010 at 2:54 pm
I have learnt this poem in 5th std. while my uncle had learnt it before too many years and used to sing it with a very classical vocals that always been creating a real scene of the moment when mithi had gone to serve bhat(lunch) to her father. After so many years today, i read it again, which has make me cry. So emotional poem is “mithi mathe bhaat”