નજરમાં આવું તો કે’જે

58.jpg
ધરાનું બીજ છું પણ ફસલમાં આવું તો કે’જે
નીકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કે’જે

સમયથી પર થઇને હું ક્ષિતિજની પાર બેઠો છું
દિવસ કે રાતના કોઇ પ્રહરમાં આવું તો કે’જે

બદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની
હું કોઇની કે ખુદ મારી અસરમાં આવું તો કે’જે

જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને
વિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કે’જે

મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે
હું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કે’જે

પરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી
નદીની વાત કે જળની રમતમાં આવું તો કે’જે

તુ જોજે ફાંસની જેમ જ ખટકવાનો છું છેવટ લગ
કદી હું ક્યાંય લોહીની ટશરમાં આવું તો કે’જે

- અશરફ ડબાવાલા

5 Responses to “નજરમાં આવું તો કે’જે”

  1. darshan Says:

    ખુબ સરસ…

  2. dilip Says:

    મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે
    હું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કે’જે
    ખુબ સુંદર અશરફભાઈ…અને રજૂઆતકર્તાને પણ..કેટલું સુંદર બ્લોસમ્સનું ચિત્ર રાખ્યું..મજા આવી ગઈ

  3. jayesh dave Says:

    જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને
    વિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કે’જે
    ખુબ જ સુંદર.

  4. Nilesh Patel Says:

    ખુબ સરસ.

  5. Girish Parikh Says:

    ‘ધબકારાનો વારસ’ અશરફ ડબાવાલાનો ગઝલ – ગીત – અછાંદસ કાવ્યનો સંગ્રહ છે. એના વિશેની લેખમાળા http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આજથી પોસ્ટ કરવાના શ્રી ગણેશ કર્યા છે.‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૧ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ વાંચવા વિનંતી.

Leave a Reply