કહેજે મને તું

ઉદાસી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું,
સુગંધી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું.

બધા સુખની, બધા દુ:ખની કથા તારે જ હસ્તક રાખ પણ,
કથા સંજોગની આલેખવાની હોય તો કહેજે મને તું.

જે શબરી એ ચાખ્યા’તા અને જે તે ન’તા ચાખ્યા કદી પણ,
એ ભક્તિ બોરની જો ચાખવાની હોય તો કહેજે મને તું.

હજી હમણાં સુધી ખુલ્લી હતી જે શક્યતાઓની, ને ક્ષણની,
એ બારી સહેજ અમથી વાખવાની હોય તો કહેજે મને તું.

નવેસરથી જ તારો ન્યાય કરવાની મને આપી છે સત્તા,
જરા શ્રધ્ધાને નમતી જોખવાની હોય તો કહેજે મને તું.

- ગુંજન ગાંધી

One Response to “કહેજે મને તું”

  1. Ashwin-Sonal Says:

    જે શબરી એ ચાખ્યા’તા અને જે તે ન’તા ચાખ્યા કદી પણ,
    એ ભક્તિ બોરની જો ચાખવાની હોય તો કહેજે મને તું.

    વાહ ભાઈ વાહ … મજા આવી ગઈ. બહુ સરસ. કીપ ઈટ અપ.

Leave a Reply