Press "Enter" to skip to content

Tag: ગીત

તને વ્હાલું કોણ

[ વર્ષાઋતુ એટલે પ્રેમમાં લથબથ થવાની મોસમ, વ્હાલથી વરસી પડવાની મોસમ. આકાશનું વ્હાલ જ્યારે ધરતીને સાંબેલા-ધારે ચૂમે ત્યારે એવો કોણ હશે જે પ્રેમથી અછૂત રહી જાય ? કાલિદાસથી માંડીને તુલસીદાસ સુધી બધા જ સર્જકોને કલમ ઉઠાવવા મજબૂર કરનાર આ વર્ષાની મોસમ પર કેટકેટલા કાવ્યો સર્જાયા છે. આજે એમાંથી એક – મુકેશ જોષીની રચના અહીં પ્રસ્તુત કરું છું. એમાં વ્યક્ત થયેલ લાગણીઓ અત્યંત મનભાવન છે ]

મને સાચ્ચો જવાબ દઇશ તું ?
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળના વાવડ ગમે કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે
કે મારી આ કોયલનું કૂ… તને

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું… તને

તને છોને વરસાદ હોય વ્હાલો પણ, કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ… તને

– મુકેશ જોષી

3 Comments