Press "Enter" to skip to content

Tag: ગરમાળો

ઘેઘૂર ગરમાળા હશે


2011 ના ઈસુના નવા વર્ષ નિમિત્તે સર્વ વાચકમિત્રોને શુભકામનાઓ.

લાગણીના ગામમાં ઘેઘૂર ગરમાળા હશે,
ભીંતના નામે ગૂંથેલા એક-બે જાળા હશે.

સદ્યસ્નાતા સુંદરીના કેશક્લાપોમાં મઢ્યા,
ફૂલના આકાર સરખા છીપ-પરવાળા હશે.

આસમાની ઓઢણી પ્હેરી પળેપળ ઝૂમતાં,
રં ગ બે રં ગી પતંગા કૈંક રૂપાળા હશે.

રાતભર પહેરો હશે ત્યાં ચાંદ પૂનમનો, અને
તારલાઓએ ભર્યા ક્ષણવાર ઉચાળા હશે.

કલ્પનાઓથી ભર્યા ઉપવન વચાળે હેમનાં,
સપ્તરંગી સંસ્મૃતિઓથી સભર માળા હશે.

દેવ-શા દૈવી અલૌકિક ગૌરવર્ણા માનવી,
સ્નેહ ને સૌંદર્યના સાચે જ સરવાળા હશે.

ભૃંગ ‘ચાતક’ થઇ ટહલતા, રાતરાણીને ભવન,
મ્હેંકમાં ગૂંથેલ કોઈ ખાસ વરમાળા હશે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments