2011 ના ઈસુના નવા વર્ષ નિમિત્તે સર્વ વાચકમિત્રોને શુભકામનાઓ.
લાગણીના ગામમાં ઘેઘૂર ગરમાળા હશે,
ભીંતના નામે ગૂંથેલા એક-બે જાળા હશે.
સદ્યસ્નાતા સુંદરીના કેશક્લાપોમાં મઢ્યા,
ફૂલના આકાર સરખા છીપ-પરવાળા હશે.
આસમાની ઓઢણી પ્હેરી પળેપળ ઝૂમતાં,
રં ગ બે રં ગી પતંગા કૈંક રૂપાળા હશે.
રાતભર પહેરો હશે ત્યાં ચાંદ પૂનમનો, અને
તારલાઓએ ભર્યા ક્ષણવાર ઉચાળા હશે.
કલ્પનાઓથી ભર્યા ઉપવન વચાળે હેમનાં,
સપ્તરંગી સંસ્મૃતિઓથી સભર માળા હશે.
દેવ-શા દૈવી અલૌકિક ગૌરવર્ણા માનવી,
સ્નેહ ને સૌંદર્યના સાચે જ સરવાળા હશે.
ભૃંગ ‘ચાતક’ થઇ ટહલતા, રાતરાણીને ભવન,
મ્હેંકમાં ગૂંથેલ કોઈ ખાસ વરમાળા હશે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ જ સરસ ગઝલ. મજા આવી ગઇ.
અભિનંદન ! સરસ અતિસુંદર રચના !
ચિત્ર કેટલુ સરસ છે ? ચિત્રકારને દાદ આપવી ઘટે !
સુંદર રચના !
લય અને સઁવેદનોનો સુભગ સમન્વયથી
એક સુંદર ગીતની રચના થઇ છે.
અભિનંદન !
સુંદર અલંકારોથી અને સુસંસ્ક્રુત શબ્દો વડે શણગારાયેલી લયબદ્ધ ગઝલ. કવિને ખુબ ખુબ અભિનંદન.
નવા વર્ષની સુંદર ભેટ સમી સુંદર ગઝલ..
અતિઉત્તમ ગઝલ ! આભાર કવિનો !
સુંદર ગઝલ. અલંકારિક પદાવલી અને નર્યા સૌંદર્યબોધની રચના.
વાહ વાહ દક્ષેશભાઇ….. સરસ શબ્દ ભંડોળ સાથેની ખુબસુરત ગઝલ…….
સદ્યસ્નાતા સુંદરીના કેશક્લાપોમાં મઢ્યા,
ફૂલના આકાર સરખા છીપ-પરવાળા હશે.
ખુબ સુન્દર ગઝલ ચાતક …
શ્રી દક્ષેશભાઈ,
છેલ્લી પંક્તિ વિશેષ ગમી ગઈ. સરસ રચના, આનંદ.
સરસ લયબદ્ધ ગઝલ દક્ષેશભાઈ,
પુત્રના લક્ષણ પારણાંમાંથી -એમ,ગઝલના પ્રથમ શેરથી જ વાચકને પકડી/જકડી લે એવી સુંદર અલંકારો અને અભિવ્યક્તિથી અલંકૃત આખી ગઝલ એક અલગ જ સૌંદર્ય લઈને આવી છે.
-અભિનંદન.
નવા વર્ષની શુભકામનાઓ.
લાગણીના ગામમાં ઘેઘૂર ગરમાળા હશે,
ભીંતના નામે ગૂંથેલા એક-બે જાળા હશે.
જાળામાં કે એની પારદર્શકતામાં ભીંત જેવી અપારદર્શકતા લાગણીની નક્કરતા રચી આપે છે.
વાહ! સુંદર ગઝલ સાથે સૌને નવા વર્ષની શુભકામનાઓ!
સુધીર પટેલ.
નવા વર્ષની શુભકામનાઓ.
સુંદર ગીતરચના…
લય સરસ- ભાવ સ-રસ રીતે ગુંથાયો છે
કલ્પનાઓથી ભર્યા ઉપવન વચાળે હેમનાં,
સપ્તરંગી સંસ્મૃતિઓથી સભર માળા હશે.
દેવ-શા દૈવી અલૌકિક ગૌરવર્ણા માનવી,
સ્નેહ ને સૌંદર્યના સાચે જ સરવાળા હશે.
યાદ
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ,
એમાં એક જ કેડીએ કેમ ચાલું ?