Press "Enter" to skip to content

Month: January 2011

કંતાય છે ગઝલ

લાગણીના ઢાળ પર સર્જાય છે ગઝલ,
તૂટતાં મુશ્કેલથી સંધાય છે ગઝલ.

માતૃભૂમિ ગુર્જરીની વાત શું કરવી,
રેંટિયાઓ પર અહીં કંતાય છે ગઝલ.

સોમનાથે શબ્દ, પાટણથી લઈ પ્રભુતા,
શેર સાસણના થકી ગર્ભાય છે ગઝલ.

દૂધમલ નવલોહિયાઓના શૂરાતનથી,
પાળિયાઓમાં પછી બંધાય છે ગઝલ.

ટેક ‘ગાંધી’ની બને ‘સરદાર’ની શૂરતા,
જશ્ન-એ-આઝાદી થકી રંગાય છે ગઝલ

આપસી સદભાવ, શ્રધ્ધા, ભાઈચારાથી
ઈદથી ઉતરાણ લગ લંબાય છે ગઝલ.

આવનારી કાલ બનશે આજની આંધી,
આજકલ ‘મોદી’ થકી પંકાય છે ગઝલ.

છે હવે ‘ચાતક’ પ્રતીક્ષા ગૌરવી પળની,
જોઈએ છે ક્યાં સુધી સંતાય છે ગઝલ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

આંગણે વરસાદ છે

શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે,
આગમનની શક્યતાનો બારણે વરસાદ છે.

એ હશે કેવી મિલનની તાજગી વરસો જૂની,
એક છાંટો થાય ને મન સાંભરે, વરસાદ છે.

જૂઈની વેલી સમી કન્યા વળાવી તે સમે,
ભર ઉનાળે એમ લાગ્યું, માંડવે વરસાદ છે.

એક-બે આંસુ છુપાવી ના શક્યા વાદળ જરી,
હર્ષથી બોલી ઉઠ્યા સૌ, ‘આવ રે વરસાદ’ છે.

રેતના દરિયા ઉલેચીને છુપાઈ લાગણી,
શી ખબર એને બધાની ભીતરે વરસાદ છે.

તગતગે એની સ્મૃતિ ‘ચાતક’ હજીયે આંખમાં,
લોક છો કહેતા ફરે કે આંગણે વરસાદ છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

એકાદ જણ આવી મળે

ડૂબતી સાંજે સમયનું આવરણ આવી મળે.
ક્યાંકથી ખોવાયલું એકાદ જણ આવી મળે.

રિક્તતા અહેસાસ થઈ જ્યાં સાથ સદીઓથી ધરે,
એ શહેરમાં શક્યતાઓનું ઝરણ આવી મળે.

શબ્દનું સંધાન કરવાની કરું શરૂઆત ત્યાં,
સાવ ઓચીંતુ કલમ પર અવતરણ આવી મળે.

ભૂલવાનું સ્હેલ હોતે, તો તને ભૂલી જતે,
હર કદમ વીતેલ પળનું સંસ્મરણ આવી મળે.

જિંદગી લાંબી સડક, ને પ્હોંચવાનું મંઝિલે,
પંથને અજવાળતું કોઈ ચરણ આવી મળે.

લડખડે જ્યારે કદમ, એંધાણ એના વાજબી,
ચાતરી, પહેલાં જ પગલામાં મરણ આવી મળે !

રણમહીં તરસ્યાં થવાનું સુખ હવે ‘ચાતક’ નથી,
રોજ મૃગજળને લઈ કોઈ હરણ આવી મળે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

ઘેઘૂર ગરમાળા હશે


2011 ના ઈસુના નવા વર્ષ નિમિત્તે સર્વ વાચકમિત્રોને શુભકામનાઓ.

લાગણીના ગામમાં ઘેઘૂર ગરમાળા હશે,
ભીંતના નામે ગૂંથેલા એક-બે જાળા હશે.

સદ્યસ્નાતા સુંદરીના કેશક્લાપોમાં મઢ્યા,
ફૂલના આકાર સરખા છીપ-પરવાળા હશે.

આસમાની ઓઢણી પ્હેરી પળેપળ ઝૂમતાં,
રં ગ બે રં ગી પતંગા કૈંક રૂપાળા હશે.

રાતભર પહેરો હશે ત્યાં ચાંદ પૂનમનો, અને
તારલાઓએ ભર્યા ક્ષણવાર ઉચાળા હશે.

કલ્પનાઓથી ભર્યા ઉપવન વચાળે હેમનાં,
સપ્તરંગી સંસ્મૃતિઓથી સભર માળા હશે.

દેવ-શા દૈવી અલૌકિક ગૌરવર્ણા માનવી,
સ્નેહ ને સૌંદર્યના સાચે જ સરવાળા હશે.

ભૃંગ ‘ચાતક’ થઇ ટહલતા, રાતરાણીને ભવન,
મ્હેંકમાં ગૂંથેલ કોઈ ખાસ વરમાળા હશે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments