[Painting by Donald Zolan]
આંખોને ઇંતજારના કાગળ ન મોકલાવ,
ભીની થયેલ રાતમાં કાજળ ન મોકલાવ.
તારા ગયા પછી અહીં દાવાનળો ફકત,
એને બૂઝાવવા તું ઝાકળ ન મોકલાવ.
તારા સ્મરણની કેદથી આઝાદ કર હવે,
ઊડી શકે ન એમને સાંકળ ન મોકલાવ.
ખોટી તો ખોટી ધારણા જીવી જશું અમે,
તું ઝાંઝવાના શ્હેરમાં વાદળ ન મોકલાવ.
તારા વિરહના શહેરમાં રસ્તાઓ આંધળા,
પગલાં ચરણથી એટલે આગળ ન મોકલાવ.
લોહીલુહાણ સાંજને ‘ચાતક’ જીવી જશે,
તારા સ્મરણના સૈન્યને પાછળ ન મોકલાવ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
10 Comments