Press "Enter" to skip to content

દૃશ્ય ક્યાંથી લાવવા ?

આંખને ઠારી શકે એ દૃશ્ય ક્યાંથી લાવવા ?
સાવ સીધી વાતમાં રહસ્ય ક્યાંથી લાવવા ?

ઊમ્રની સાથે વહીને કાળગર્તામાં ગયા,
દોસ્ત, વીતેલા સ્મરણ તાદૃશ્ય ક્યાંથી લાવવા ?

સ્મિત કરતાં ફડફડે છે લોક અહીં એકાંતમાં,
એમના ચ્હેરે ફરી અટ્ટહાસ્ય ક્યાંથી લાવવા ?

સાંજ પડતાં આથમીને અસ્ત થાતાં દેહમાં,
ફેર સૂર્યોદય સમા આયુષ્ય ક્યાંથી લાવવા ?

ભીંત પર લટકી કરે વરસાદ આશીર્વાદનો,
આદમી એવા હવે અદૃશ્ય ક્યાંથી લાવવા ?

જીવવા માટે જરૂરી હાડ-સ્નાયુ-ચામ છે,
શ્વાસ ‘ચાતક’ પણ અહીં અવશ્ય, ક્યાંથી લાવવા ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

  1. Pragnaju
    Pragnaju April 6, 2011

    સુંદર રચનાના આ શેર વધુ ગમ્યા

    સાંજ પડતાં આથમીને અસ્ત થાતાં દેહમાં,
    ફેર સૂર્યોદય સમા આયુષ્ય ક્યાંથી લાવવા ?

    ભીંત પર લટકી કરે વરસાદ આશીર્વાદનો,
    આદમી એવા હવે અદૃશ્ય ક્યાંથી લાવવા ?

  2. Bharat Desai
    Bharat Desai April 6, 2011

    આંખને ઠારી શકે એ દૃશ્ય ક્યાંથી લાવવા ?
    સાવ સીધી વાતમાં રહસ્ય ક્યાંથી લાવવા ?

    ભૈ વાહ ક્યા બાત હૈ… મત્લાનો ઉઘાડ બહુ સરસ છે..

  3. Narendra Jagtap
    Narendra Jagtap April 6, 2011

    વાહ વાહ સરસ ગઝલ ….અને મઝાના કાફિયા…
    ઊમ્રની સાથે વહીને કાળગર્તામાં ગયા,
    દોસ્ત, વીતેલા સ્મરણ તાદૃશ્ય ક્યાંથી લાવવા ?

  4. Sapana
    Sapana April 6, 2011

    મત્લા ખૂબ ગમ્યા અને હા કાફિયા પણ નવાં..આ લાઇનો ગમી
    સ્મિત કરતાં ફડફડે છે લોક સૌ એકાંતમાં,
    એમના ચ્હેરે હવે અટ્ટહાસ્ય ક્યાંથી લાવવા ?
    સપના

  5. Dilip
    Dilip April 6, 2011

    સુંદર ગઝલ દક્ષેશભાઈ બધા જ શેર ગમે તેવા છે…
    સાંજ પડતાં આથમીને અસ્ત થાતાં દેહમાં,
    ફેર સૂર્યોદય સમા આયુષ્ય ક્યાંથી લાવવા ?

  6. Pancham Shukla
    Pancham Shukla April 7, 2011

    સરસ અને તાજગીસભર રચના.

    – અઘરા કાફિયા અને રદીફની મોકળાશ (?, !) – આ ગઝલ માટે એક પડકાર ઊભો કરે છે.
    – રહસ્ય, અવશ્ય કાફિયાઓ સામાન્ય રીતે લગાલ માપમાં લેવાય છે.
    – બીજા શેરને પોલિટિકલી કરેક્ટ શબ્દથી સંમાર્જિત કરી શકાય કે એમ એ શકયતા તપાસવા જેવી ખરી.

  7. Himanshu Patel
    Himanshu Patel April 7, 2011

    ચિત્રથી લઈ સુંદરમ સુધી, સંસ્મૃતિથી માંડી એકાકી વેદના સુધી અને છેવટે ઉપનિષદમાં પણ ફરી આવ્યો એક જ ગઝલમાં. ઘણુ બધું ગુંથવાનો પ્રયત્ન થયો છે. ગમ્યો.

  8. Kirtikant Purohit
    Kirtikant Purohit April 7, 2011

    મત્લા બહુ જ સરસ થયો છે. બીજા શેરમાં ભંગીપણા શબ્દ ગઝલના મિજાજને કઠતો લાગે છે. અન્ય શબ્દથી ભાવ નિષ્પન્ન કરો તો સારુ. અન્યથા સરસ ગઝલ. દલીત શબ્દનો ઉપયોગ થઇ શકે.

  9. Dr P A Mevada
    Dr P A Mevada April 7, 2011

    મઝા પડી. સરસ ગઝલ, ખાસ કરીને છેલ્લો શેર ખૂબ ગમ્યો.

  10. Kanchankumari P Parmar
    Kanchankumari P Parmar April 7, 2011

    હાક પડે ને થાય શુરા પુરા એવા પાળિયા ક્યાંથી લાવવા?????

  11. P Shah
    P Shah April 8, 2011

    આંખને ઠારી શકે એ દૃશ્ય ક્યાંથી લાવવા ?
    સાવ સીધી વાતમાં રહસ્ય ક્યાંથી લાવવા ?

    સાંજ પડતાં આથમીને અસ્ત થાતાં દેહમાં,
    ફેર સૂર્યોદય સમા આયુષ્ય ક્યાંથી લાવવા ?

    સુંદર રચના !
    મત્લાનો શે’ર તો લાજવાબ થયો છે.
    અભિનંદન !

  12. Daxesh Contractor
    Daxesh Contractor April 20, 2011

    પંચમભાઈ, કીર્તિકાન્તભાઈ,
    આપના સૂચન બાદ વિચાર કરીને બીજો રદ કર્યો છે.
    આપના સૂચન બદલ આભાર.

Leave a Reply to Sapana Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.