Press "Enter" to skip to content

નંદલાલાને માતા જશોદાજી સાંભરે


ગોકુળ છોડી મથુરા ગયા પછી કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ કદી પાછા ગોકુળમાં નહોતા પધાર્યા. જ્યાં પોતાનું બાળપણ વીતેલું, જ્યાં ગોપબાળો સાથે કેટલીય રમતો રમેલી, કેટલાય માખણના શીકા તોડી ગોરસ ખાધેલા, કેટલીય ગોપીઓ સાથે રાસલીલા કરેલી, ગાયોને ચારવા વનમાં જતા ને ધૂળે ભરાઈને સાંજે પાછા ફરતાં, માતા યશોદા અને નંદબાબા સાથે વીતાવેલાં વરસો અને એની પળેપળ ભગવાન શ્રીકૃષ્ણને મહેલમાં બેચેન કરતી. પરંતુ ધર્મસંસ્થાપનાનું યુગકર્મ કરવા પ્રકટ થયેલ ભગવાન એ સ્મૃતિઓથી ચળી જાત તો જગદગુરુ થોડા કહેવાત. મથુરાના રાજભવનમાં ભગવાન શ્રીકૃષ્ણની મનોદશાનું સુંદર ચિત્રણ સાંભળો આ મધુરા પદમાં.
*

*
નંદલાલાને માતા યશોદાજી સાંભરે
મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં…નંદલાલાને

હીરા માણેકના મુગુટ ધરાય છે,
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં…….નંદલાલાને

તબલા સારંગીના સૂર સંભળાય છે,
નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

છપ્પન ભોગના થાળ ધરાય છે,
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે,
ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

રાધાજીને એટલું કહેજો ઓધવજી
અમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને

[ફરમાઈશ કરનાર – જયશ્રીબેન જોશી]

7 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.