Press "Enter" to skip to content

ક્યારે આવશો રામ ?


*
ક્યારે આવશો પરદુઃખભંજન દશરથનંદન રામ?
જીવનને સંજીવન દેવા ક્યારે આવશો રામ?

પંચ ભૂતોની નૌકા લઈને હું ચોપાસ ફરું છું,
એક જ આશ લઈને દિલમાં કાયમ શ્વાસ ભરું છું,
કેવટની નૌકામાં આવ્યા, વારંવાર સ્મરું છું,
મારી નૌકા પાવન કરવા ક્યારે આવશો રામ?

સદીઓથી જડતામાં હું તો જીવન વહન કરું છું,
ચેતનના કણકણને માટે રોમરોમ ઝંખુ છું,
અહલ્યાનો ઉદ્ધાર કર્યો’તો, વારંવાર સ્મરું છું,
પથ્થરની આ પ્રતિમા ક્યારે બનશે પૂજન-ધામ?

વચન ઉપર વિશ્વાસ કરીને શમણાં રોજ વણું છું,
કરી પ્રતિક્ષા, સ્મરણ તમારા હું એકત્ર કરું છું,
શબરીના દ્વારે આવ્યા’તા, વારંવાર સ્મરું છું,
મારાં અંતરના ભાવોને ગ્રહશોને અભિરામ?

વિરહી છું ને વિરહાગ્નિમાં કાયમ કાજ જલું છું,
‘ચાતક’ થઈને રોજ તમારી તરસે આશ કરું છું,
સમુદ્ર પાર કરી આવ્યા’તા, વારંવાર સ્મરું છું,
ઉગારવા મુજને પણ જલદી પધારજો કૃતકામ.

દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’ (રામનવમી, ૨૦૦૯)

7 Comments

  1. Dr.Hitesh Chauhan
    Dr.Hitesh Chauhan April 5, 2009

    જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,

    આપને તથા આપના સમગ્ર પરિવારની રામનવમી અને ચૈત્રી નવરાત્રી સારી રીતે પસાર થઈ હશે.
    સુંદર રચના

    વચન ઉપર વિશ્વાસ કરીને શમણાં રોજ વણું છું,
    કરી પ્રતિક્ષા, સ્મરણ તમારા હું એકત્ર કરું છું,
    ક્યારે આવશો રામ, તમે ક્યારે આવશો રામ ?

  2. Rajiv
    Rajiv April 4, 2009

    ખુબ જ સુંદર પ્રયાસ…!

  3. સુરેશ જાની
    સુરેશ જાની April 4, 2009

    મારા રામ, હે રામ! મારા રામ! હે રામ!
    અહીં ઓરા આવો રામ! મને અલગ ન રાખો રામ !
    તવ ઉર સમાવો રામ, મને સ્વીકારો હે રામ!
    હે રામ ! હે રામ ! હે રામ! હે રામ!

    આખુઁ સ્વરચીત ભજન ..
    http://kaavyasoor.wordpress.com/2007/04/01/he_ram/

  4. Harnish Jani
    Harnish Jani April 3, 2009

    સુંદર કાવ્ય.
    આજે મારો પણ જન્મ દિવસ.
    ભગવાન રામને જો ખબર હોત કે હું પણ આ જ દિવસે જનમવાનો છું તો તેમણે કોઇ બીજો દિવસ પસંદ કર્યો હોત.

    [હરનિશભાઈ, કોને ખબર કે તમારા રૂપે રામ જ આવ્યા હોય. – દક્ષેશ]

  5. Dr Bipin Contractor
    Dr Bipin Contractor April 3, 2009

    પંચ ભૂતોની નૌકા લઈને હું ચોપાસ ફરું છું,
    એક જ આશ લઈને દિલમાં કાયમ શ્વાસ ભરું છું,
    કેવટની નૌકામાં આવ્યા, વારંવાર સ્મરું છું,
    મારી નૌકા પાવન કરવા ક્યારે આવશો રામ ?

    ખૂબ સરસ કલ્પના! અભિનંદન.

  6. Dilip
    Dilip April 3, 2009

    ક્યારે આવશો રામ, તમે ક્યારે આવશો રામ ?
    જીવનને સંજીવન દેવા ક્યારે આવશો રામ ?
    ખુબ જ સુંદર ભાવ.. હું આજે દક્ષેશને યાદ કરતો જ હતો ત્યાં રામનવમીની આ રચના વાંચી.
    લેસ્ટરગુર્જરી

  7. પંચ ભૂતોની નૌકા લઈને હું ચોપાસ ફરું છું,
    એક જ આશ લઈને દિલમાં કાયમ શ્વાસ ભરું છું,
    કેવટની નૌકામાં આવ્યા, વારંવાર સ્મરું છું,
    મારી નૌકા પાવન કરવા ક્યારે આવશો રામ ?

    ખૂબ સરસ ઉપમા પ્રયોજી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.