મિત્રો, આજે સાંભળીએ મને ખુબ ગમતું એક પદ જેના શબ્દો અને ભાવ ખુબ જ હૃદયસ્પર્શી છે. વારંવાર સાંભળવાનું મન થાય તેવું આ પ્રાર્થના પદનો જૈન સ્તવનમાલા આલ્બમમાં સમાવેશ થયેલો છે.
*
સ્વર – નિશા ઉપાધ્યાય
આશા અમર છે એમ કહેવાયું છે. શબરીની તપશ્ચર્યા કદાચ એનું અમર ઉદાહરણ છે. શબરીને પોતાના ગુરુના વચનોમાં દૃઢ વિશ્વાસ હતો. એના ગુરુ, મતંગ મુનિએ એને કહેલું કે આ કુટિયા પર એક દિવસ ભગવાન રામ તને દર્શન આપવા જરૂર આવશે. મતંગ મુનિના દેહત્યાગ પછી પણ એમના વચનોમાં અડગ શ્રદ્ધા રાખી એ રોજ ભગવાન રામના આગમનની રાહ જોતી રહી. રામ પધારશે – એ વિશ્વાસ શબરીના જીવનનો પ્રાણવાયુ થઈ પડ્યો. કથાકારોએ ભલે શબરીને ભગવાન રામને એંઠા બોર ધરનારી આદિવાસી બાઈ તરીકે ચીતરી પરંતુ વાલ્મિકી રામાયણમાં દર્શાવ્યા મુજબ શબરી તપસ્વિની અને યોગિની હતી, જે પોતાની યોગશક્તિ વડે રામ-લક્ષ્મણને સીતાની શોધમાં પંપા સરોવર તરફ જવાનું માર્ગદર્શન આપે છે. ભારતના ઈતિહાસને ઉજ્જવળ કરનાર કેટલીક રત્ન સમાન સ્ત્રીઓમાં જેની ગણના કરી શકાય એવી શબરીની તપશ્ચર્યાનું ચિત્રણ કરતું વારંવાર સાંભળ્યા કરવાનું મન થાય એવું આ ભજનગીત સાંભળીએ.
*
સંગીત – ગૌરાંગ વ્યાસ, સ્વર – કલ્યાણી કવઠાલકર
હિરણ્યકશિપુની મનાઈ છતાં પ્રહલાદે ભગવાનનું સ્મરણ ન છોડ્યું. ભરતે માતા કૈકેયીનો ત્યાગ કર્યો પણ રામનું નામ ન છોડ્યું, એવા અનેક દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. ઈશ્વરનું સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરવામાં જે બાધારૂપ હોય તેનો ત્યાગ કરવો જોઈએ – એવો સંદેશ આપતું આપણા આદિકવિ નરસિંહ મહેતાનું આ સુંદર ભજન સાંભળીએ વિવિધ સ્વરોમાં.
*
*
*
*
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.
કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે … નારાયણનું નામ.
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે … નારાયણનું નામ.
ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે … નારાયણનું નામ.
આર્થિક અસમાનતા મિત્રતામાં આડે આવે છે ખરી ? આ પ્રશ્ન જ્યારે પણ પૂછાય છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું ઉદાહરણ અવશ્ય અપાય છે. સાંદિપની ઋષિ પાસે ભગવાન કૃષ્ણ જ્યારે શિક્ષા લેવા ગયા ત્યારે સુદામા તેમના સહાધ્યાયી બનેલા. આશ્રમમાં તો બધા છાત્ર સરખા પરંતુ સમય જતાં ભગવાન કૃષ્ણ ઐશ્વર્યના સ્વામી બની દ્વારિકાના રાજમહેલમાં મહાલે છે તો સુદામાના નસીબે નિર્ધન દશામાં ઝૂંપડીમાં જીવન વિતાવવાનું આવે છે. સુદામાની પત્ની દરિદ્રતા દૂર કરવા સંતાનો ખાતર એક વાર બાળસખા કૃષ્ણની મુલાકાત લેવા વિનવે છે. સુદામા ભગવાન કૃષ્ણના મહેલ જાય છે… અને પછીની વાત જગજાહેર છે. એ અમર પ્રેમ, મૈત્રી અને મુલાકાતનું રોમાંચિત વર્ણન આ ગીતમાં થયેલ છે. એમાંય પુરુષોત્તમભાઈના સ્વરમાં (આલ્બમ-સુરાવલી) આ ગીત સાંભળી ઉન્માદ (બીજો શબ્દ સૂઝતો નથી!) થયા વિના ન રહે. વારંવાર સાંભળવું ગમે તેવું આ મધુરું ગીત માણો બે ભિન્ન સ્વરોમાં.
સ્વર- પુરુષોત્તમ ઉપાધ્યાય
*
*
નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી, સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી.
દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે
વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ, રાણી રુક્ષ્મણીની સાથ
ત્યાં તો જાણી એવી વાત, સુદામો જુએ પ્રભુની વાટ
આવે શામળિયો સામેથી દોડી દોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી.
સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે
વ્હાલો માંગી માંગી ખાય, ફાકે ચપટી ને હરખાય
કૌતુક જોનારાને થાય, એવું શું છે તાંદુલ માંહ્ય
માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી.
NDTV Imagine (એન ડી ટીવી ઈમેજીન) પર છેલ્લા બે મહિનાથી શરૂ થયેલ મીરાં સિરીયલ(સોમ-શુક્ર) ખુબ લોકપ્રિય બની છે. આમેય મીરાં મારા મન અને હૃદયને સ્પર્શે છે, એમ કહો કે એની પૂજા કરે છે, એમાંય વળી એના પરની આ સુંદર સિરીયલ – પછી તો કહેવું જ શું. જે રીતે નાનકડી મીરાંનું પાત્ર નવ વરસની આશિકા ભાટીયાએ ભજવ્યું છે તે કાબિલે તારીફ છે. મીરાંનો કાકાભાઈ જયમલ (પારસ અરોસા) અને મીરાંની બાળસાથી લલિતા (ત્વરા દેસાઈ) પણ પોતાના અભિનયથી આપણું મન જીતી લે છે. મીરાંની ઐતિહાસિક કહાણીમાં ફેરફાર કરી આ સિરીયલ બનાવવામાં આવી છે પણ સાગર આર્ટે જે રીતે એને પ્રસ્તુત કરી છે તે અભિનંદનને પાત્ર છે. મીરાં સિરીયલનું સૌથી મનમોહક ગીત જે વારંવાર ગણગણવાનું મન થાય તેવું છે, આજે રજૂ કરું છું. આશા છે, મારી જેમ તમને સૌને પણ ગમશે.
*
રામાયણમાં આવતો કેવટનો પ્રસંગ ખુબ જાણીતો છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા સાથે જ્યારે વનમાં જવા નીકળે છે ત્યારે માર્ગમાં ગંગા પાર કરવા માટે કેવટની નાવમાં બેસે છે. જેના ચરણના રજના સ્પર્શથી પથ્થરની શીલા અહલ્યા બની તેનાં ચરણો પોતાની નાવમાં પડે અને રખેને નાવ પણ નારી બની જાય તો આજીવિકાનું સાધન ચાલ્યું જાય એવી ચતુર દલીલ કરીને નાવમાં બેસતા પહેલાં પ્રભુ રામના ચરણો ધોવાની કેવટ વિનતી કરે છે. આ ભજનની ‘અભણ કેટલું યાદ રાખે જોને ભણેલા ભૂલી જાય’ … એ સુપ્રસિદ્ધ પંક્તિથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. કવિ કાગની વારંવાર સાંભળવી ગમે એવી આ અમર રચના માણો બે સ્વરમાં.
*
સ્વર – પાર્થિવ ગોહિલ