આજે મારું સ્વ-રચિત મુક્તક …
સપનું બની તારી આંખમાં છે આવવું,
પણ આંખો તું મીચતી નથી એનું શું ?
મારી પ્રતિક્ષામાં તું જાગ્યા કરે છે,
ને કેડી સ્મરણની ખૂટતી નથી એનું શું ?
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
પ્રિય મિત્રો,
અત્યાર સુધી મીતિક્ષા.કોમ પર આપની સાથે મારી સ્વરચિત કૃતિઓ ઉપરાંત ગુજરાતી ગીતો, ગઝલો, કવિતા, પ્રાર્થના, ભજનો વગેરે વહેંચવા માટેનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. પરંતુ હવે કાર્યની વ્યસ્તતા ઉપરાંત સ્વર્ગારોહણ માટે વધુ સમયની જરૂરિયાત હોવાથી મીતિક્ષા.કોમ પર દરરોજ એક નવી કૃતિ આપવા માટેનો સમય ફાળવવાનું મુશ્કેલ બની રહ્યું છે. ઉતાવળમાં ગમે તેવી કૃતિ રજૂ કરવા કરતાં ગુણવત્તા જળવાય તે હેતુસર, જ્યાં સુધી સમયની મોકળાશ ન થાય ત્યાં સુધી દરરોજ એક નવી કૃતિને બદલે અઠવાડિયામાં બે થી ત્રણ નવી કૃતિ મૂકવા જરૂર પ્રયાસ કરીશ. આપનો પ્રેમ હંમેશની જેમ મળતો રહેશે એવી આશા છે. રસક્ષતિ બદલ દરગુજર કરશો.