Press "Enter" to skip to content

Month: February 2009

મંગલ મંદિર ખોલો


આજે એક ખુબ જ સુંદર પ્રાર્થનાગીત જે સૌએ અવશ્ય ક્યાંક તો સાંભળ્યું જ હશે ને ગાયું પણ હશે. ખાસ કરીને જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તો આ પ્રાર્થનાગીત અચૂક ગાવામાં આવે. નરસિંહરાવ દિવેટીયાની આ અમર રચના આજે માણીએ.
*
[આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]

*
મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !

નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો … દયામય !

– નરસિંહરાવ દિવેટીયા

[ફરમાઈશ કરનાર – હર્ષા જૂઠાની]

19 Comments

સમજાય ના


મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ.

પર્ણ પર ઝાકળ થઈ શું ચીતરે, સમજાય ના.
વૃક્ષ પર વેલી થઈ વીંટાય શું, સમજાય ના,

આભથી આવી ધરા પર બુંદ થૈ ને તું પડે,
પ્રેમમાં શું શું કરે તું એ મને સમજાય ના.

ચૂમવા ચાહે ધરાને તું હજારો હોઠથી ?
પાનખરમાં પાન ખરતાં કેમ, એ સમજાય ના.

ઝળહળે રજની મહીં થૈ તારલાનો પત્ર તું,
સ્થિર શાને છે ક્ષિતિજે ધ્રુવ, એ સમજાય ના.

પત્થરોની મૂર્તિઓમાં તું સુતો નિશ્ચિંત થઈ,
ફરફરે શાને ધજાઓ એ મને સમજાય ના.

તેં બનાવ્યા માનવી ને માનવી તુજને ઘડે !
કોણ કોને સર્જતું, એ મને સમજાય ના.

એક છાંટો ના દીઠો, ‘ચાતક’ ગઈ વર્ષાઋતુ,
વાંઝણી આ ભાગ્યરેખાઓ મને સમજાય ના.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

એમ પૂછીને થાય નહીં પ્રેમ


આજે વેલેન્ટાઈન ડે – પ્રેમને અભિવ્યક્ત કરવાનો દિવસ છે. તો આજે આનાથી વધુ સારું ગીત બીજું ક્યું હોઈ શકે ? પ્રેમમાં પડ્યા પછીની સૌથી મોટી મૂંઝવણ પ્રેમીની આગળ પ્રેમનો એકરાર કરવાની હોય છે. દરિયાના મોજાં સનાતન કાળથી રેતીને પોતાના પ્રેમમાં નવડાવ્યા કરે છે. એણે કદી રેતીને એમ થોડું પૂછ્યું છે કે હું તને ભીંજવું કે કેમ ? પ્રેમ તો સહજ રીતે થઈ જાય છે. માણો સૌનું મનગમતું એવું આ ગીત શ્યામલ મુન્શીના સ્વરમાં.
*
આલ્બમ: હસ્તાક્ષર

*
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી .
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

– તુષાર શુક્લ

11 Comments

હાથમાં ગાંડીવ છે

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

મધ્ય દરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !

– દેવદાસ ‘અમીર’

1 Comment

મૃત્યુ પછીની વાટ


મૃત્યુ પછી જીવની શી ગતિ થાય છે તે આપણને ખબર પડતી નથી. કહેવાય છે કે જો આપણે ખૂબ રોકકળ અને વિલાપ કરીએ તો દિવંગત આત્માની મરણોત્તર ગતિમાં રુકાવટ આવે છે. આપણી તીવ્ર સંવેદનાઓ એને મુક્ત રીતે ગતિ કરવા નથી દેતી. એ વાત કેટલી સાચી છે એ ખબર નહીં પરંતુ નઝિરની આ રચનામાં કંઈક એવું કહેવાયું છે કે મૃત્યુ પછીની વાટ વિકટ ના બનાવવી હોય તો આંસુ ન વહાવશો. જો કે બીજી પંક્તિમાં એના કારણનું ઉદઘાટન થયું છે કે જીવનમાં દુઃખ સિવાય કાંઈ ન હતું, સુખના પ્રસંગો ગણ્યાગાંઠા જ હતા. એવી જિંદગી માટે શું રડવું !
*
સ્વર- મનહર ઉધાસ, આલ્બમ: સૂરજ ઢળતી સાંજનો

*
મૃત્યુ પછીની વાટ વિકટ ના બનાવજો,
મારા મરણમાં કોઈ ન આસું વહાવજો.

બાળકને એક-બેની રજૂઆત ના ગમે,
તો એને મારા સુખના પ્રસંગો ગણાવજો.

સંપૂર્ણ કરવી હોય જો વેરાની કોઈની,
તો મુજ અભાગિયાને નયનમાં વસાવજો.

ત્યાંથી કદાચ મારે અટકી પણ જવું પડે,
મારી કશીય વાતને મનમાં ન લાવજો.

જીવન સ્વપ્ન સિવાય બીજું કાંઈ પણ નથી,
એ માન્યતાથી મારા જીવનમાં ન આવજો.

હું બેખબર રહું છું હવે મારા હાલથી,
કંઈ જાણવા સમું હો તો મુજને જણાવજો.

કહે છે તમારું સ્થાન નથી કયાંય પણ ‘નઝિર!
મક્તાથી આ વિધાનને ખોટું ઠરાવજો.

– નઝિર ભાતરી

2 Comments

વરસો સુધી


ધુમ્ર વિખરાયો ન તો ધૂણી કરી વરસો સુધી,
નામ એ જલતું રહ્યું બે અક્ષરી વરસો સુધી

ત્યાં પછી કયારેય ન ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.

ગોખલે નળિયે ફફડતાં ચોંકતાં પંખી સમા,
ઉમ્ર એ માહોલમાં ઉડતી ફરી વરસો સુધી.

સૂર્ય સડકે રેબઝેબ રઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ન જાણ થઇ એની જરા વરસો સુધી.

કયાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ,
કેટલી પ્યાલી ભરી ખાલી કરી વરસો સુધી.

ફૂલ પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
એવી અફવાઓ ઉગી ખીલી ખરી વરસો સુધી.

મેઘલી સાંજે હવે આજે અચાનક થઇ સજળ,
પથ્થરી આંખે ન ફૂટયું જળ જરી વરસો સુધી.

– કિસન સોસા

1 Comment