Press "Enter" to skip to content

હાથમાં ગાંડીવ છે

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

મધ્ય દરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !

– દેવદાસ ‘અમીર’

One Comment

  1. Shriya
    Shriya February 13, 2009

    એક એક શેર લાજવાબ છે!!
    હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
    વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી…. વાહ્!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.