નામ બાકી છે

હસે છે હોઠ પણ હૈયે અમારું નામ બાકી છે,
સુખદ મુજ સ્વપ્નનો ધારેલ જે અંજામ બાકી છે.

જરા શરમાઈને ચાલ્યા જવું પૂરતું નથી હોતું,
કહે સૌ જીત એને પણ હજુ ઈનામ બાકી છે.

ઉડી ગઈ નીંદ રાતોની, લૂંટાયું ચેન હૈયાનું,
સજાઓ ભોગવું કિન્તુ હજુ ઈલ્જામ બાકી છે.

મુહોબ્બતમાં મળે છે નામના એવી, કે લાગે છે,
મળ્યા ઉપનામ સૌ કિન્તુ હજી બદનામ બાકી છે.

હવે તારું સ્મરણ સાચે જ થાશે મારું મયખાનું,
મદિરા ખૂટશે તો એમ કહેશું, જામ બાકી છે.

શીરી-ફરહાદ, રાંઝા-હીરની ગણના થતી જગમાં,
હજી યાદીમહીં ‘ચાતક’ તમારું નામ બાકી છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (8)

પરંપરાગત છંદ અને શૈલીમાં મિજાજસભર પ્રતીક્ષાનું સરસ નિરૂપણ.

સુંદર રીતે પ્રસ્તુતિ થઈ છે વિચાર અને તર્ક બન્નેની.
ખાસ તો રદિફ અને કાફિયા પરસ્પરમાં ઓગળીને આખી વાતને જે ઉઘાડ બક્ષે છે એ વધુ ગમ્યું.
અભિનંદન દક્ષેશભાઈ.

કોનું નામ બાકી છે ભાઇ ? જરા એ પણ હોત તો સારું થાત !

પ્રતીક્ષાનું બોલચાલની ભાષામાં લોકભોગ્ય આલેખન ગમ્યુ. બધાં શેર વાંચવા ગમ્યા.

અમારું નામ બાકી છે…
સરસ ! બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

શીરી-ફરહાદ, રાંઝા-હીરની ગણના થતી જગમાં,
હજી યાદીમહીં ‘ચાતક’ તમારું નામ બાકી છે……..

સરસ ગઝલ બધા જ શેર અફ્લાતુન

Reply

ગઝલ ગમી, પરંપરાગત શૈલીમાં વિચારોનો ઉઘાડ સ્પષ્ટ વર્તાય છે.

ઉડી ગઈ નીંદ રાતોની, લૂંટાયું ચેન હૈયાનું,
સજાઓ ભોગવું કિન્તુ હજુ ઈલ્જામ બાકી છે.

‘હઝઝ’માં સુંદર રજુઆત..

Reply

ભોગવ્યા છે ભોગ પણ હજુ રામ નામ બાકી છે,
ધર્મ, અર્થ , કામ, મોક્ષ ના અંજામ બાકી છે.

જગતમાથી ચાલ્યા જવું પૂરતું નથી હોતું,
કહે સૌ સદગતિ જેને એ હજુ ઈનામ બાકી છે.

પુરી થઇ નીંદ રાતોની, ચોરાયું ચેન હૈયાનું,
ચિર નિદ્રામા પોઢવુ કિન્તુ હજુ વૈકુઠઘામ બાકી છે.

જીવનમાં મળે છે નામના એવી, કે લાગે છે,
મળ્યા સર્વનામ સૌ કિન્તુ હજી ટાઇગર બામ બાકી છે.

હવે તારું સ્મરણ સાચે જ થાશે મારું જીવન ભાતુ,
જણસ ખૂટશે તો એમ કહેશું, વિરામ બાકી છે.

નરસિંહ મીરા , રામા પીરની ગણના થતી જગમાં,
હજી યાદીમહીં ભગત ’ તમારું નામ બાકી છે.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.