ક્યારે આવશો રામ ?

મિત્રો, આજે રામનવમી છે. ભગવાન રામનો જન્મદિવસ. સદીઓ પહેલાં આજના દિવસે અયોધ્યામાં માતા કોશલ્યા અને પિતા દશરથના આંગણે એમનું પ્રાગટ્ય થયું હતું. પોતાના યશસ્વી જીવનમાં આદર્શ રામરાજ્યની સ્થાપના કરવા ઉપરાંત એમણે અહલ્યા, શબરી, કેવટ, ગુહ જેવા કેટકેટલાનો ઉદ્ધાર કર્યો હતો તથા અસંખ્ય રાક્ષસોનો સંહાર કરીને ધર્મનું સંસ્થાપન કર્યું હતું. શું એવી જ રીતે કદી ભગવાન આપણા જીવનમાં પધારશે, આપણને ધન્યતા ધરશે ? એવા ભાવોમાં ગુંથાયેલ મારું સ્વરચિત પદ આજે માણો.

ક્યારે આવશો પરદુઃખભંજન દશરથનંદન રામ ?
જીવનને સંજીવન દેવા ક્યારે આવશો રામ ?

પંચ ભૂતોની નૌકા લઈને હું ચોપાસ ફરું છું,
એક જ આશ લઈને દિલમાં કાયમ શ્વાસ ભરું છું,
કેવટની નૌકામાં આવ્યા, વારંવાર સ્મરું છું,
મારી નૌકા પાવન કરવા ક્યારે આવશો રામ ?

સદીઓથી જડતામાં હું તો જીવન વહન કરું છું,
ચેતનના કણકણને માટે રોમરોમ ઝંખુ છું,
અહલ્યાનો ઉદ્ધાર કર્યો’તો, વારંવાર સ્મરું છું,
પથ્થરની પ્રતિમામાં ક્યારે પ્રગટાવશો પ્રાણ ?

વચન ઉપર વિશ્વાસ કરીને શમણાં રોજ વણું છું,
કરી પ્રતિક્ષા, સ્મરણ તમારા હું એકત્ર કરું છું,
શબરીના દ્વારે આવ્યા’તા, વારંવાર સ્મરું છું,
મારાં અંતરના ભાવોને ક્યારે ગ્રહશો રામ ?

વિરહી છું, વિરહાગ્નિમાં કાયમ કાજ જલું છું,
‘ચાતક’ થઈને રોજ તમારી તરસે આશ કરું છું,
સમુદ્ર પાર કરી આવ્યા’તા, વારંવાર સ્મરું છું,
ઉગારવા મુજને પણ ક્યારે પધારશો કૃતકામ ?

દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (7)

પંચ ભૂતોની નૌકા લઈને હું ચોપાસ ફરું છું,
એક જ આશ લઈને દિલમાં કાયમ શ્વાસ ભરું છું,
કેવટની નૌકામાં આવ્યા, વારંવાર સ્મરું છું,
મારી નૌકા પાવન કરવા ક્યારે આવશો રામ ?

ખૂબ સરસ ઉપમા પ્રયોજી છે.

Reply

ક્યારે આવશો રામ, તમે ક્યારે આવશો રામ ?
જીવનને સંજીવન દેવા ક્યારે આવશો રામ ?
ખુબ જ સુંદર ભાવ.. હું આજે દક્ષેશને યાદ કરતો જ હતો ત્યાં રામનવમીની આ રચના વાંચી.
લેસ્ટરગુર્જરી

Reply

પંચ ભૂતોની નૌકા લઈને હું ચોપાસ ફરું છું,
એક જ આશ લઈને દિલમાં કાયમ શ્વાસ ભરું છું,
કેવટની નૌકામાં આવ્યા, વારંવાર સ્મરું છું,
મારી નૌકા પાવન કરવા ક્યારે આવશો રામ ?

ખૂબ સરસ કલ્પના! અભિનંદન.

Reply

સુંદર કાવ્ય.
આજે મારો પણ જન્મ દિવસ.
ભગવાન રામને જો ખબર હોત કે હું પણ આ જ દિવસે જનમવાનો છું તો તેમણે કોઇ બીજો દિવસ પસંદ કર્યો હોત.

[હરનિશભાઈ, કોને ખબર કે તમારા રૂપે રામ જ આવ્યા હોય. – દક્ષેશ]

Reply

મારા રામ, હે રામ! મારા રામ! હે રામ!
અહીં ઓરા આવો રામ! મને અલગ ન રાખો રામ !
તવ ઉર સમાવો રામ, મને સ્વીકારો હે રામ!
હે રામ ! હે રામ ! હે રામ! હે રામ!

આખુઁ સ્વરચીત ભજન ..
http://kaavyasoor.wordpress.com/2007/04/01/he_ram/

ખુબ જ સુંદર પ્રયાસ…!

જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,

આપને તથા આપના સમગ્ર પરિવારની રામનવમી અને ચૈત્રી નવરાત્રી સારી રીતે પસાર થઈ હશે.
સુંદર રચના

વચન ઉપર વિશ્વાસ કરીને શમણાં રોજ વણું છું,
કરી પ્રતિક્ષા, સ્મરણ તમારા હું એકત્ર કરું છું,
ક્યારે આવશો રામ, તમે ક્યારે આવશો રામ ?

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.