મૂંઝારો થાય છે !

100.jpg
મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ.

ક્યાંક તડકો, ક્યાંક છાંયો થાય છે,
આભને કેવો મૂંઝારો થાય છે !

શોધવા કોને ધરા પર, આભથી
આમ વીજળીનો ઝગારો થાય છે ?

શું નદીઓ આટલું રોતી હશે !
આ સમંદર કેમ ખારો થાય છે ?

વાસ્તવિકતાની તૂટેલી ઈંટથી
એક સપનાંનો મિનારો થાય છે.

જ્યાં જઈ સપનાં તમે વેચી શકો
દોસ્ત, એવા ક્યાં બજારો થાય છે ?

શ્વાસની મંથર ગતિ રોકી શકો
તો જ કાયમનો ઉતારો થાય છે !

ચાલ જઈએ શોધવા ‘ચાતક’ જરી
આશ પર અહીં ક્યાં ગુજારો થાય છે ?

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

16 Responses to “મૂંઝારો થાય છે !”

  1. વિવેક ટેલર Says:

    શું નદીઓ આટલું રોતી હશે !
    આ સમંદર કેમ ખારો થાય છે ?

    -સુંદર શેર… નદી અને સમુદ્ર વિશે ઘણા કવિઓ ઘણું કહી ગયા હોવા છતાં આ અભિવ્યક્તિમાં અભૂતપૂર્વ તાજગી વર્તાય છે…. આખી ગઝલ સરસ થઈ છે પણ આ એક શેર ઠેઠ અંદર સુધી અડી ગયો…

  2. ધવલ Says:

    શોધવા કોને ધરા પર, આભથી
    આમ વીજળીનો ઝગારો થાય છે ?

    - સરસ !

  3. neetakotecha Says:

    વાસ્તવિકતાની તૂટેલી ઈંટથી
    એક સપનાંનો મિનારો થાય છે.

    વાહ ખૂબ સરસ …

  4. Pancham Shukla Says:

    આખે આખી રચના સ્પર્શી ગઈ.

  5. Rajiv Says:

    ખુબ જ સુંદર રચના…
    અભિનંદન…!

  6. Dr Bipin Contractor Says:

    ખૂબ જ સુંદર રચના! ખૂબ જ ઉત્તમ કોટિની કલ્પના!
    અભિનંદન! અભિનંદન!

  7. pragnaju Says:

    બહુ સુંદર ગઝલ
    જ્યાં જઈ સપનાં તમે વેચી શકો
    દોસ્ત, એવા ક્યાં બજારો થાય છે ?

    શ્વાસની મંથર ગતિ રોકી શકો
    તો જ કાયમનો ઉતારો થાય છે !
    વાહ.

  8. Raju Says:

    વાહ ! ચાતકના – મૂંઝારો, ઝગારો, મિનારો, બજારો, ઉતારો, ગુજારો

  9. manvant Says:

    આ રચના બહુ ગમી બહેના !

  10. dilip Says:

    ખુબ સુંદર મુશાયરામાં દાદ લૂટી લે તેવી ગઝલ છે આપની, દોબારા કહેવાય ગયુ…તો તમારા અવાજમા જ રજુ કરો તો…
    શોધવા કોને ધરા પર, આભથી
    આમ વીજળીનો ઝગારો થાય છે ?

  11. Shriya Says:

    વાહ ખુબજ સુંદર ગઝલ! એક એક શેર લાજવાબ!!

    શું નદીઓ આટલું રોતી હશે !
    આ સમંદર કેમ ખારો થાય છે ?

    વાસ્તવિકતાની તૂટેલી ઈંટથી
    એક સપનાંનો મિનારો થાય છે.

    કેટલી સાચી વાત કરી છે આ શેરમાં!

  12. minal Says:

    બહુ સરસ લખ્યુ છે. છેલ્લો શેર બહુ સરસ છે.

  13. kanchankumari parmar Says:

    જલધિજલના પ્રેમમાં ખુદ બની ખારી ઝેર; શું શીખવી ગઈ આ રીત પ્રેમની સરિતા? પ્રેમમાં બધુજ મંજુર છે…

  14. Hardik Raval Says:

    શું નદીઓ આટલું રોતી હશે !
    આ સમંદર કેમ ખારો થાય છે ?

    આ શેર તો દિલ ને ટચ કરી ગયો ……..

  15. Kaushal Says:

    એક એક શબ્દ ખરેખર દિલને સ્પર્શી ગયો.

  16. Sapana Says:

    દ્ક્ષેશભાઈ મહેફિલ લૂટી લીધી …પહેલાં થયું નદીવાળો શેર ટાંકુ પછી થ્યું સપનાં વાળો.પછી થયું વીજળી વાળૉ ..ચાલો આખી ગઝલ જ ટાંકુ છું..સાચું કહું તો આટલી સરસ અને સરળ ગઝલ ઘણાં સમયે વાંચી..આભાર
    સપના

Leave a Reply