ઝૂકવાથી પ્રેમ નથી થાતો

આજે મારી એક સ્વરચિત રચના રજૂ કરું છું. ઈશ્વરને માટે પાડેલો પોકાર કદી નિષ્ફળ જતો નથી. શરત એટલી કે એ સાચા હૃદયનો હોવો જોઈએ. અબોલ પ્રાણીઓ મનુષ્યના પ્રેમભર્યા વ્યવહારથી ગુલામ બનવા રાજી થઈ જાય છે. ભગવાન તો ભાવનો ભૂખ્યો કહેવાયો છે. એ પ્રેમથી કેમ ન પીગળે ? પરંતુ પ્રેમનો અર્થ મંદિરમાં જઈને ઘૂંટણિયે પડવામાં સીમિત નથી થતો. પ્રેમ તો એક હૃદયની બીજા હૃદય સાથે થતી ગોઠડી છે, અનુસંધાન છે, સંવેદનની આપ-લે છે.

તું રોજ પૂકારે છે એને, પોકાર વ્યર્થ નથી જાતો,
પ્રેમ ઝુકાવે છે સૌને, ઝૂકવાથી પ્રેમ નથી થાતો.

તું મંદિર જા કે મસ્જીદ જા, સરનામું એનું એક જ છે,
નામ બદલવાથી એનો આકાર અલગ નથી થાતો.

છે એક સમંદર સૂતેલો ભીતરની ભોમે વરસોથી,
એ સારું છે કે આંખોથી એનો ઘૂઘવાટ નથી થાતો.

ખળખળ વ્હેતી તુજ આંખોમાં સળગે છે લાશો સ્વપ્નોની,
કોણે કહ્યું, જળ-અગ્નિનો કો’દિ સહવાસ નથી થાતો ?

બે-ચાર કદમ સાથે માંડો ત્યાં માર્ગ અલગ ફંટાય અહીં,
એ સાચું છે કે શમણાંનો કાયમ સંગાથ નથી થાતો.

તું એમ જતાવે છે મુજને ભવભવના આપણે સંગાથી,
મિથ્યા છે હૈયાધારણ, પણ આ દિલમાં વ્હેમ નથી થાતો !

છે બાકી કાણાં પડીયામાં બે-ચાર શ્વાસ તણાં ટીપાં,
નભ ઘેરાયેલું ભાળીને ‘ચાતક’ નિઃશ્વાસ નથી થાતો.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Responses to “ઝૂકવાથી પ્રેમ નથી થાતો”

  1. ashwin-sonal Says:

    તું રોજ પૂકારે છે એને, પોકાર વ્યર્થ નથી જાતો,
    પ્રેમ ઝુકાવે છે સૌને, ઝૂકવાથી પ્રેમ નથી થાતો.

    બે-ચાર કદમ સાથે માંડો ત્યાં માર્ગ અલગ ફંટાય અહીં,
    એ સાચું છે કે શમણાંનો કાયમ સંગાથ નથી થાતો.

    તું એમ જતાવે છે મુજને ભવભવના આપણે સંગાથી,
    મિથ્યા છે હૈયાધારણ, પણ આ દિલમાં વ્હેમ નથી થાતો !

    સાચી વાત છે ભઈ. સમજો તો સારું. આ કૃતિ સારી છે. સ્વરચિતનો જાદુ કંઇ ઓર જ છે.

  2. pragnaju Says:

    તમારી પોતાની રચના ગમી
    તું એમ જતાવે છે મુજને ભવભવના આપણે સંગાથી,
    મિથ્યા છે હૈયાધારણ, પણ આ દિલમાં વ્હેમ નથી થાતો !
    છે બાકી કાણાં પડીયામાં બે-ચાર શ્વાસ તણાં ટીપાં,
    નભ ઘેરાયેલું ભાળીને ‘ચાતક’ નિઃશ્વાસ નથી થાતો.
    વાહ…તખલ્લુસ ચાતક છે-વિશ્વાસ પણ તેવો છે
    चातक वलखे मृगजळ जोई,
    ठंडक पामवा चान्दो जुए;
    तरस छीपे नहीं छतांय कोई,
    आंसुबुन्दो छेवटे पीए.

  3. Kantibhai patel Says:

    મિતિક્ષા,
    આભાર, સરસ મજાની વેબ સાઈટ બનાવી છે.
    કાન્તિભાઇ પટેલ
    વડોદરા.
    Cell . +91 9376223851

  4. Upasana Says:

    આમ જોવા જઈએ તો સહુને, કશાકનો ઈન્તજાર જોવા મળે છે,
    ચાતક છે તો વિરહીની વેદનાને વાચા મળે છે, અને અનેકને હમદર્દ મળે છે!
    આભાર – પ્રેમ ઝુકાવે છે સહુને….!!

  5. Kaushal Says:

    This should be composed, wordings are too good.

  6. Kirti-kishore Says:

    ખૂબ સરસ રચના છે.

Leave a Reply