વરસાદી વાછટ

50.JPG
ચાલ હવે તો આનાકાની મૂક, બનીને મૂક,
આ વરસાદી વાછટને ક્યાં સુધી જોતી રહેવાની?
હું સદા રહેવાનો તારી સાથ, કરી વિશ્વાસ,
તું પકડે હાથ જો મારા, હથેળીએ કૂંપળ કૂટવાની … ચાલ હવે

વાત અચાનક શરૂ થાય ક્યાં, વાત અચાનક વધી જાય ક્યાં,
એની ક્યાં ખબર પડે છે ?
ઓળખ અમથી હોય શરૂમાં, પછી તો આગળ હળતાં મળતાં,
સંબંધને એક નામ મળે છે … ચાલ હવે

તું હોઠે હાથ મૂકે, બંધ આંખ કરે, એક નામ સ્મરે,
એ નામ છે કોનું-ની અટકળ બસ ઉકેલવાની,
આવ કે આ ખુલ્લા આકાશે, રહીને પાસે, એકી શ્વાસે
જીવી જઈએ આશ છોડી કોઈ બીજાની … ચાલ હવે

સુખની હરેક પળને હું કુરબાન કરી દઉં, તારા મુખ પર
એક મજાનું સ્મિત મળે તો
આ કોરાં શમણાં, સુક્કા શ્વાસો, ફિક્કી આંખો, જીવી જવાનાં
એક જો ભીનું ગીત મળે તો … ચાલ હવે

– હિતેન આનંદપરા

Leave a Reply