Press "Enter" to skip to content

Tag: મરીઝ

હોવું જોઈએ

[ આજે મારી ડાયરીમાં ટપકાવેલી મરીઝની આ રચના રજૂ કરું છું. એનો એક શેર મને ખૂબ પસંદ છે… પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે… માણસ માત્ર ભૂલને પાત્ર છે. પણ એ કોઈક ભૂલ કરી બેસે કે માર્ગ ચૂકી જાય તો બધા એને ઉતારી પાડે છે. એવે વખતે સાચા સ્વજન કે હિતેચ્છુ એને પ્રેરણા આપે છે, માર્ગદર્શન ધરે છે, જેથી એ પતન પણ પ્રગતિની સીડી બની જાય છે. ]

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું અઘરું એનું જીવન હોવું જોઈએ.

ફુલોમાં કેમ શ્રેષ્ઠ છે ફુલો કપાસના,
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ.

આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ.

જીવનમાં લાખ ઘટના બને છે, ભલે બને,
એમાંથી એક-બેનું મનન હોવું જોઈએ.

કોઈ અગમ્ય ડરથી ઉપડતા નથી કદમ,
બસ આટલામાં એનું સદન હોવું જોઈએ.

આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈની સાથે તારું મિલન હોવું જોઈએ.

પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.

આંસુ ઢળીને હોઠ પર આવી ગયા ‘મરીઝ’,
પીવાને માટે મારું રુદન હોવું જોઈએ.

– મરીઝ

3 Comments