Press "Enter" to skip to content

Month: March 2009

હોવા ન હોવાથી


નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાક મારી’તી, ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલિલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું.
ફરક શું પડશે કોઈના અહીં હોવા ન હોવાથી.

– ખલિલ ધનતેજવી

2 Comments

આજનો ચાંદલિયો


સાંજ પડતાં પ્રિયતમાને એના પ્રિયતમની યાદ સતાવે છે. વિરહથી વ્યાકુળ એવી પ્રિયતમાને ગગનમાં ચંદ્રમા ઉગેલો જોતાં મિલનના મધુર સ્વપ્નો સાકાર થતાં લાગે છે. અભિસારની એ રાત્રિની મધુર કલ્પના મનને તરબતર કરે છે એથી એ સૂરજને કહે છે કે હમણાં આવવાનું નામ ન લે. તો બીજી તરફ જે પ્રેમી પંખીડાઓ મિલનની મધુર પળોને માણે છે એમને સૂરજના આગમનથી એમના મધુરા મિલનનો અંત આવે એ કલ્પના નથી ગમતી એથી તેઓ પણ સૂરજને ન આવવા કહે છે. પ્રેમી અને વિરહીઓના ભાવોને સુંદર રીતે આકાર આપતું આ મધુરું ગીત સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં.
*

*
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તું ગિરધર મારો
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી
જોજે વીખાય નહીં શમણાનો માળો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

Leave a Comment

પાછો વળી જવાનો


હું સાંકડી ગલીમાં, રસ્તો કરી જવાનો
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.

પાષાણ સમ હૃદયમાં, પોલાણ શક્ય છે દોસ્ત
તું ઓગળી પ્રથમ જા, એ પીગળી જવાનો.

એવી ખબર છે આવી, તું નીકળી નદી થઇ,
દરિયાની એટલે હું ખારાશ પી જવાનો.

તારા ઉપરની મારી, દીવાનગી ગમે છે,
મારા સિવાય કોને, હું છેતરી જવાનો?

હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભુલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઇશ્વર, તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.

– ગૌરાંગ ઠાકર

1 Comment

આવી ગઈ હોળી


મિત્રો, આજે હોળી છે. હોળી એક એવો તહેવાર છે જે ગરીબથી માંડી તવંગર સુધી બધા જ માણસોને સ્પર્શે છે. એને માણવા-ઉજવવા માટે બહુ પૈસાની જરૂર નથી પડતી. આદીવાસીઓને માટે એ ખાસ તહેવાર ગણાય છે. કામ કરવાવાળા મજૂરો આ સમયે પોતાના ગામ પંદર વીસ દિવસની રજા લઈને ચાલ્યા જાય છે. શહેરોમાં રંગ અને ગુલાલનો તહેવાર ધૂળેટી હોળીને બીજે દિવસે ઉજવાય છે.  સાચને આંચ નથી લાગતી એ માન્યતા દૃઢાવતી હોળિકાની પુરાણી કથા હોળીના તહેવાર પાછળ ચાલી આવે છે. આપણે પણ આશા રાખીએ કે આપણી અંદર રહેલી સત્યની જ્યોતને આંચ ન આવે. હોળી નિમિત્તે આજે માણીએ એક સુંદર ગીત.
*
સંગીત: અવિનાશ વ્યાસ; સ્વર: આરતી મુન્શી; આલ્બમ: અમર સદા અવિનાશ

*
મારો દેવરીયો છે બાંકો, એની લાલ કસુંબલ આંખો
એણે રંગ ઢોળી, રંગી જ્યારે રેશમની ચોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

આમ તો હું બહું બોલકણી પણ આજે ના બોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

ફટકેલ ફાગણિયો, કુણી કુણી લાગણીઓ
ઘેરી ઘેરી શરણાઈ છેડે રંગ ભરી લાગણીઓ
દેવર નમણો પણ નઠારો, કપરો આંખ્યુંનો અણસારો
મને ભરી બજારે રંગે, રમવા ખૂણામાંથી ખોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી

સોહે ગાગર મુખડું મલકે, માથે ગાગર દીવડો ઝબકે
મદભર માનુનીની આંખે જોબનિયું રે ઝલકે
ઘુમે ઘાઘરાની કોર ઝૂમે ઝૂમખાની જોડ
જ્યારે શેરી વચ્ચે ઢોલ છેડતો રમી રહ્યો ઢોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.

– અવિનાશ વ્યાસ

1 Comment

જિંદગીનો મર્મ


પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

– હિતેન આનંદપરા

2 Comments

એકડો સાવ સળેખડો


મિત્રો, આજે એક મજાનું બાળગીત સાંભળીએ. નાનાં હતાં ત્યારે એકડા બગડાની દુનિયામાં રમતાં હતા. મોટેરાંઓ આપણને કેટલી સુંદર રીતે આંકડાઓ શીખવતાં હતા. દાદીમાની વારતાઓમાં કેટલાં મધુરાં પાત્રો હતાં. જાણે વારતાની જ દુનિયા હતી અને આપણે માટે એ વારતાઓ હકીકત હતી. તે સમયે એમાં જ આનંદ લાગતો. હવે મોટાં થતાં, વાસ્તવિકતાની ધરતી પર કદમ મૂકતાં સાચી પરિસ્થિતિનો ભાસ થાય છે કે આ જ ખરેખરી દુનિયા છે છતાં ફરી ફરી એ વારતાની દુનિયામાં ડૂબકી મારવાનું મન રોકી નથી શકાતું. રમેશ પારેખની એક સુંદર રચના આપણને ફરી એ દુનિયામાં લઈ જશે. તો ચાલો ગણવા માંડીએ એક, બે … અને બથ્થંબથ્થા ..
*

*
એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ

– રમેશ પારેખ

3 Comments