જ્યારે ભગવાન કૃષ્ણ માટેની મીરાંબાઈની દિવાનગી રાજમહેલની બધી હદોને પાર કરી ગઈ ત્યારે રાણાએ પોતાની આબરુને બચાવવા માટે મીરાંબાઈને ઝેરનો કટોરો મોકલ્યો. એને એમ હતું કે હવે બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે, તકલીફોનો સુખદ અંત આવી જશે. પરંતુ જેને રામ રાખે એને કોણ ચાખે ? મીરાંબાઈને મારવા માટે મોકલાવેલ ઝેરને પ્રભુએ અમૃતમાં પલટાવી દીધું. એ સ્વાનુભવની કહાણી મીરાંબાઈએ ભજનમાં કરી. માણો એ સુંદર ભજન રેખાબેન ત્રિવેદીના સ્વરમાં.
*
*
નથી રે પીધાં અણજાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી.
કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;
કડવી લાગે છે કાગવાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
રીસ કરીને રાણો ત્રાસ ગુજારે;
ક્રોધ રૂપે દર્શાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને બનાવું રાજરાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથો રે;
જનમોજનમની બંધાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
સંતો છે માત રાણા, સંતો પિતા મારા;
સંતોની સંગે હું લોભાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
તમને ભજીને હું વેચાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
– મીરાંબાઈ
9 Comments