નથી દેતી
આજે મારી એક સ્વરચિત કૃતિ, જે જિંદગીના વિવિધ રંગોને વ્યક્ત કરે છે. આજકાલ આપણું જીવન એવું થઈ ગયું છે કે હસવાના સમયે હસી નથી શકાતું અને છલોછલ થવાની પળ આવે ત્યારે અશ્રુભીના થઈ નથી શકાતું. ઝાંઝવાના જળ જેવા સુખો પાછળ દોડવામાં આપણું જીવન પૂરું થઈ જાય છે.. અને જોતજોતાંમાં અધૂરા શ્વાસોને રોકી સ્મશાનમાં સૂવાનો દિવસ આવી જાય છે. દોસ્તો ! કેવી અજબ છે આ જિંદગી !
કદી હસવા નથી દેતી, કદી રોવા નથી દેતી
ક્ષણોના આભલામાં એમ ટમટમવા નથી દેતી
અજબ તાસીર છે, મૃગજળ સમી ઓ જિંદગી, તારી
હરણને ઝાંઝવાથી કોઈ દિ’ મળવા નથી દેતી
ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ
ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.
ભરી છે લાગણીઓ કૈંક ઊંડી હર ખડકમાંહી
ઝરણની દોસ્તી એને ફકત વ્હેવા નથી દેતી.
તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી
કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી
મળી એવી ખુશી વેરાનમાં કે ગુલશનો દાઝે
અમીરી આંખની મારી જરા ચૂવા નથી દેતી
જરા રોકી લો આજે જિંદગીભરના અધૂરા શ્વાસ
ધરાની આ બિછાતો એમ તો સૂવા નથી દેતી
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
November 17th, 2008 at 12:31 pm
સુંદર રચના થઇ છે. અભિનંદન !
November 17th, 2008 at 6:27 pm
સુંદર રચના અભિનંદન ………..
November 17th, 2008 at 6:31 pm
સુંદર ગઝલ…!
November 17th, 2008 at 7:07 pm
સરસ ગઝલ બદલ અભિનંદન!
સુધીર પટેલ.
November 17th, 2008 at 8:02 pm
સરસ રચનાનો આ શેર ખૂબ ગમ્યો
ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ
ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.
ધ્યાનનો અર્થ જ છે શૂન્યતા, શાંતિ, પરમમૌન, પણ ગતિને વ્યવસ્થા આપવાની નથી. પરમાણુઓથી પણ નાનો કણ, જેનું વિભાજન શકય નથી, તેનું ‘કલાપ’ એવું નામ આપ્યું. ‘કલાપ’ પણ એક કણ-એકાઇ નથી. તે સમૂહ છે. તે જડ, નક્કર કણો નથી, પરંતુ તરંગોનો પુંજ માત્ર છે. જેમાં ચાર મહાભૂત પૃથ્વીધાતુ, અગ્નિધાતુ, વાયુધાતુ અને જલધાતુ તથા તેના ગુણધર્મોઆ આઠનો ‘કલાપ’ છે. જેને ‘અઠ્ઠકલાપ’ કહેવામાં આવ્યો. જે ઘન, નક્કર વસ્તુ જણાય છે તે અસંખ્ય કલાપોનો પુંજ છે. દરેક કલાપમાં મોટી શૂન્યતા કે અવકાશ છે, આ ઘન સમૂહ છે અને તે બધું તરંગ જ તરંગ છે.આવી જ રીતે ઇન્દ્રિય આલંબન રંગ-રૂપ, ગંધ, શબ્દ, રસ, સ્પર્શ, ગુણધર્મવાળા નક્કર પદાર્થ પણ શૂન્યમાં ઉદય-વ્યય થનાર માત્ર તરંગો જ છે. આ આલંબન ઘન છે. આવી જ ચિત્તની ઘનતા દેખાય છે. પરંતુ તે પણ તરંગો જ માત્ર છે. આ તરંગો ‘કલાપ’ તરંગ કરતાં એક ક્ષણમાં બાર વખત વધારે વેગથી ઉત્પન્ન થઇ નાશ પામે છે. તેને ચિત્તક્ષણ કહેવામાં આવ્યું છે.
‘સમગ્ર જગત પ્રજજવલિત પ્રજજવલિત છે.
સમસ્ત જગત પ્રકંપિત-જ પ્રકંપિત છે.’
November 17th, 2008 at 8:14 pm
સુંદર ગઝલ…..વાંચી આનંદ .
November 17th, 2008 at 11:13 pm
વાહ!
દક્ષેશભાઈ!
ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.
સુંદર વાત મૂકી …..મજા આવીગઈ…..
-અભિનંદન.
November 18th, 2008 at 6:42 am
ખુબ જ સુંદર રચના…
અભિનંદન દક્ષેશ…
- રાજીવ
November 18th, 2008 at 4:15 pm
very good gazal. wording is very good . keep it up.
November 19th, 2008 at 1:38 pm
તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી
કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી
સરસ રચના, મને ગમી.
November 21st, 2008 at 8:09 pm
excellent daxeshkaka. I liked this gazal very much. Thanks
November 21st, 2008 at 8:16 pm
ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ
ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.
તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી
કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી
શૂં આ શબ્દો જ કાફી નથી!!