શાંત ઝરુખે
આજે 100 મી પોસ્ટ. આટલા ટૂંકા સમયમાં ઘણાં બધાં સાહિત્યરસિકોને મળાયું, કંઈક પમાયું, કંઈક વહેંચી શકાયું એનો આનંદ છે. આપે જે ઉમળકા અને પ્યારથી અત્યાર સુધી મૂકેલી દરેક કૃતિને વધાવી છે એમ આગામી દિવસોમાં પણ વધાવતા રહેશો અને હજુ વધુ સારી પસંદગી મૂકી શકીએ, વધુ સારી રીતે રજૂ કરી શકીએ એ માટે સૂચનો કરતા રહેજો.
આજે સૈફ પાલનપુરીની એક નઝમ જે સીમાચિન્હ સમી બની, સૌના દિલોદિમાગ પર છવાઈ ગઈ છે, સાંભળો મનહર ઉધાસના સૂરીલા કંઠે. ઝરુખામાં જોયેલી એક સ્વપ્નસુંદરીના શૃંગારરસથી ભરેલ કમનીય વર્ણનથી પ્રારંભ પામતી નઝમ અંતે ખાલી ઝરુખાને જોઈ કરુણરસથી છલકાઈ જાય છે. જીવનના સોનેરી દિવસો ઝરુખા પરની સ્વપ્નસુંદરીનું રૂપક ઓઢીને તો અહીં વ્યક્ત નથી થયાં ને ?
શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી
મે એક શહેજાદી જોઇ હતી …
એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનુ કાજળ હસતું’તું
એક નાનું અમથું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતુ હતું
એના સ્મિતમાં સૌ સૌ ગીત હતા એને ચુપકીદી સંગીત હતી
એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી
એણે યાદના અસોપાલવથી એક સ્વપ્નમહેલ શણગાર્યો તો
જરા નજર ને નીચી રાખીને એણે સમય ને રોકી રાખ્યો તો
એ મોજાં જેમ ઉછળતી હતી, ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો બહુ પ્યાર ભર્યું શરમાતી હતી
એને યૌવનની આશિષ હતી, એને સર્વ બલાઓ દુર હતી
એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી
વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરુખો જોયો છે …..
ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઊર્મિઓના ખેલ નથી
બહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન
મે તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી
કોણ હતી એ, નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું
તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે ….
બહુ સુનું સુનું લાગે છે ….
- સૈફ પાલનપુરી
September 11th, 2008 at 10:28 am
મનહર ઉધાસના સુંદરકંઠે ગવાયેલ અને સૈફપાલનપુરીની આ કૃતિનું વિડીયો-દર્શન કરવાની અને સાંભળવાની ખૂબ મઝા આવી.
September 11th, 2008 at 7:53 pm
ચલો ગુજરાતમાં જેનો સ્વર હજુ ગુંજે છે તે મનહરના કંઠે ગવાયેલ અને સૈફની કૃતિનું વિડીયોદર્શન અને સાંભળવાની મઝા આવી. આ ફ રી ન.
September 12th, 2008 at 2:01 am
સૈફની સદા બહાર રચના.
મનહરની મધુર ગાયકી અને મઝાની વીડીઓ
December 26th, 2009 at 10:19 pm
મારી ગમતી રચના અને ગાયકી! ૨૦૦૯ ની પસન્દગી!!!!!!