સંબંધને નામ આપવું જ પડે એવું થોડું છે ? સમાજ ભલે સંબંધોને લેબલ લગાવે પણ એવા કોઈપણ નામ વગરના સંબંધે પણ મળી શકાય, હૃદયના ભાવોની આપ-લે કરી શકાય, એકબીજાના મનના ભાવોને વાંચી શકાય. હા એમાં ઘણી રુકાવટો આવવાની. પરંતુ એમ વિરોધો અને વિઘ્નોને પાર કર્યા વગર કોઈને ઇપ્સિત વસ્તુ કદી મળી છે ? તો ચાલ મળીએ … પરંતુ અંતની કડીમાં એ પ્રસ્તાવનો ઉત્તર મળતો નથી…. કદાચ હજુ કવિ સમયથી આગળ છે કે સામેના પાત્રની કોઈ મજબૂરી. નક્કી આપણે કરવાનું છે. ભાવની અભિવ્યક્તિ માટે શબ્દોના ભપકાની જરૂર નથી એના પુરાવા રૂપ આ સુંદર રચના માણો મનહર ઉધાસના સ્વરમાં.
*
*
ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.
એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.
કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.
આપ તો સમજીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.
– બાલુભાઇ પટેલ
14 Comments