પંદરમી ઓગષ્ટ અનોખી ઓગણીસસો સુડતાલીસ,
સ્વાતંત્ર્ય મળ્યું ભારતને, છે એ ઈતિહાસ તવારીખ.
અસ્ત થઈ પરદેશી સત્તા ચમત્કાર અણમોલ થયો,
યુગો પછી દેવોના દેશે પ્રકટી મુક્તિસૂર્ય રહ્યો.
ઉલ્લાસે ભર જનતા સઘળી ઉત્સવ કરવાને લાગી,
અભિનવ અભિલાષાસ્વર છોડી સિતાર જન-મનની વાગી.
યુગોયુગ લગી અમર રહો એ પંદરમી ઓગષ્ટ મહા,
સ્વાતંત્ર્ય રહો શાશ્વત તારું ભારત, પ્રકટો પૂર્ણ પ્રભા !
રહ્યો વસવસો કોઈ જનને સ્વતંત્રતા ના પૂર્ણ મળી,
અસ્તાચળ પર સૂર્ય પહોંચ્યો ધરતીને વિષછાંય ધરી.
ખંડિત કાયા થઈ દેશની ભેદભરી વીણા વાગી,
પ્રજાજનોએ સ્વપ્ને પણ ના આવી આઝાદી માગી.
ભાગલા થયા ભારતના પણ સંસ્કૃતિ અખંડ એક જ છે,
આત્મા કેમ શકે ભંગાઈ ? અવિભાજ્ય અવિનાશી એ.
એક જ રક્ત વહે છે સૌમાં એક જ જનનીનાં સૌ બાળ,
અલગ થવાથી જુદાં થાય ના પાણી જેમ કર્યાથી પાળ.
છત્ર હિમાલય સૌ પર ઢાળે ગાય જલધિ સંગીત રસાળ,
ભૌગોલિકતા મટે નહીં એ કર્યે વિભાજન બાહ્ય હજાર.
અમર રહો પંદરમી, રેલો સંપ સ્નેહ સહકાર હવા,
પ્રેરિત કરો સદા માનવને રાષ્ટ્રકાજ કુરબાન થવા.
ભેદભાવની દીવાલ તૂટો મટો વેર મમતા જડતા;
પ્રાણ ધરો સૌરભ સર્વતણા દર્દ દૈન્યપંકે સડતા.
– શ્રી યોગેશ્વરજી (‘ગાંધી ગૌરવ’) સૌજન્ય સ્વર્ગારોહણ
5 Comments