Press "Enter" to skip to content

Tag: ભજન

વૈષ્ણવજન તો


ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અતિપ્રિય ભજન ભાગ્યે જ કોઈ ગુજરાતીએ નહીં સાંભળ્યું હોય. વૈષ્ણવ જન એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના નહીં પરંતુ પ્રભુના ભક્ત. ભજનમાં એક આદર્શ માનવ અને આદર્શ ભક્તના લક્ષણો વર્ણવવામાં આવ્યા છે. આ ભજન ગાંધીજીની સાંય પ્રાર્થનામાં અચૂક ગવાતું. સાંભળો લતા મંગેશકર, મન્ના ડે તથા આશિત દેસાઈના સ્વરોમાં.
*
સ્વર – લતા મંગેશકર

*
સ્વર – મન્ના ડે

*
સ્વર – આશિત દેસાઈ

*
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન

– નરસિંહ મહેતા

16 Comments

માને તો મનાવી લેજો રે


ગોપીઓ અને ગોપબાળોને ગોકુળમાં મુકીને કૃષ્ણ કર્તવ્યની રાહે મથુરા ગયા ત્યારે કૃષ્ણના વિરહમાં પીડાતી ગોપીની મનોભાવનાને  આ ગીત વ્યક્ત કરે છે. મથુરાથી ઉદ્ધવજી ગોકુળ આવે છે ત્યારે ગોપીઓને જ્ઞાનનો સંદેશ આપી સાંત્વના ધરવા પ્રયાસ કરે છે પણ અવ્યક્ત કરતાં વ્યક્તને માનનાર ગોપીઓને એ ગળે ઉતરતું નથી. તેઓ ઉદ્ધવજી મારફત કૃષ્ણને સંદેશ મોકલે છે. ગીતના અંતભાગમાં .. કુબ્જાને પટરાણી કહેશું વિરહની આગ વ્યક્ત કરે છે. સ્ત્રી સામાન્ય રીતે બીજી પ્રેયસીને ધિક્કારતી હોય છે પણ કૃષ્ણ કોઈ રીતે પણ જો ગોકુળ આવતા હોય તો કુબ્જાને પટરાણી કહેવા તેઓ રાજી છે. માણો ભગા ચારણ રચિત હૃદયસ્પર્શી પદ.
*
લતા મંગેશકર

*

*
ઐશ્વર્યા મજમુદાર

*
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..

મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

– ભગા ચારણ

19 Comments